ડાંગ જિલ્લો પ્રાકૃતિક રીતે વધુ વરસાદ ધરાવતો વિસ્તાર હોવા છતાં ભૂગોળીય પરિસ્થિતિને કારણે વરસાદી પાણીનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય તે હમેશા પડકાર રહ્યો છે. આવી સ્થિતિમાં જિલ્લામાં સિંચાઈ સુવિધાઓના વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. જેના પરિણામે ખેડૂતોને કૃષિ ક્ષેત્રે નોંધપાત્ર લાભ મળી રહ્યો છે.
ડાંગ જિલ્લામાં સંગ્રહ તળાવો, ચેકડેમ, કૂવા અને ટપક સિંચાઈ જેવી વ્યવસ્થાઓ દ્વારા ખેતીને જરૂરી પાણી ઉપલબ્ધ કરવામાં આવે છે. જિલ્લામાં સંગ્રહ તળાવો દ્વારા અંદાજે ૪૩૮૩ હેક્ટર વિસ્તાર, ચેકડેમ દ્વારા ૩૯૬૭ હેક્ટર વિસ્તાર તથા ટપક સિંચાઈ દ્વારા ૨૩૮૬ હેક્ટર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે. આમ, જિલ્લાની કુલ સિંચાઈ ક્ષમતા અંદાજે ૧૦૭૩૯ હેક્ટર સુધી પહોંચી છે.
સિંચાઈ વિભાગ દ્વારા જળ સંરક્ષણ અને ભૂગર્ભજળ રિચાર્જ માટે પણ વ્યાપક અભિયાન હાથ ધરાયું છે. જિલ્લામાં અનેક ચેકડેમોના નિર્માણ સાથે તળાવો ઊંડા કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જેના કારણે વરસાદી પાણીના સંગ્રહમાં વધારો થયો છે, અને ભૂગર્ભજળના સ્તરને જાળવી રાખવામાં મદદ મળી રહી છે.

જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટૂંકાગાળા અને લાંબાગાળાના પગલાં પણ આયોજનબદ્ધ રીતે લેવામાં આવી રહ્યા છે. નવા ચેકડેમો, સંગ્રહ તળાવો, લિફ્ટ ઈરીગેશન સિસ્ટમ તથા સિંચાઈ કૂવાઓના નિર્માણ સાથે જૂના તળાવો અને ચેકડેમોના સમારકામ અને ઊંડાઈ વધારવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. જેના પરિણામે પાણી સંગ્રહ ક્ષમતામાં વધારો થશે, અને ઉનાળાની ઋતુમાં પાણીની તંગી ઘટાડવામાં મદદ મળશે.
આ કામગીરીથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થવાથી ખેતી ઉત્પાદનક્ષમતા વધશે તેમજ શાકભાજી, હળદર, ફળફળાદિ અને અન્ય પાકોના ઉત્પાદનમાં વધારો થવાની સંભાવનાઓ છે. સાથે જ પશુપાલન અને ગ્રામ્ય આર્થિક વિકાસને પણ પ્રોત્સાહન મળશે.
વર્ષ ૨૦૪૭ સુધીમાં જિલ્લામાં સિંચાઈ વિસ્તાર વધારવાનો લક્ષ્યાંક રાખી સરકાર દ્વારા પાણી બચત અને જળ સંચાલન અંગે પણ લોકોમાં જાગૃતિ લાવવામાં આવી રહી છે. ચેકડેમ, સંગ્રહ ટાંકીઓ અને ટપક સિંચાઈ જેવી આધુનિક પદ્ધતિઓના વધુ ઉપયોગથી ડાંગ જિલ્લાના કૃષિ વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાતમા સૌથી વધારે વરસાદ ડાંગ જિલ્લામા વરસતો હોય છે ત્યારે, અહીં વધુમા વધુ સંખ્યામા ચેકડેમ અને વિયર બનાવી, સિંચાઈ માટે પાણી રોકી, લોકોને ખેતી તરફ વધૂ પ્રેરિત કરી શકાય તે માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત ચિંતિત છે. તો રાજ્યની શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર પણ લોકોની સુખાકારી માટે સતત ચિંતિત અને પ્રયત્નશીલ છે.
આ માટે સમગ્ર ગુજરાતમા સરકાર દ્વારા ઉદવહન સિંચાઈ યોજના તેમજ હયાત ડેમોનુ રીપેરીગ અને નવિનિકરણ કરીને, પાણીની સુવિધાઓ પુરી પાડવામા આવી રહી છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામા પણ, પાણીની તંગી દૂર કરવા તમામ સુવિધાઓ ઉભી કરી પાણીની સમસ્યા દૂર થાય તે માટે રાજ્ય સરકારની તૈયારી છે. જેમા રાજ્ય સરકાર દ્વારા ડાંગ જિલ્લામા તબક્કાવાર જરૂરિયાત મુજબ ડેમો અને વિયર બનાવવામા આવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે, કે, ડાંગ જિલ્લાની વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિને કારણે અહી ખાબકતા ધોધમાર વરસાદને લીધે ધસમસતા પાણીના આવરાને લીધે ટીપિકલ ડીઝાઇન મુજબના નાના ચેકડેમોની આવરદા ખૂબ ટૂંકી રહેવા પામે છે. આવા ચેકડેમોમા નદીના પાણી સાથે કાંપ, માટી, પત્થરો, વૃક્ષો વિગેરે પણ તણાઇ આવતા હોઇ, ચેકડેમોને ભારે નુકશાન પણ થતુ હોય છે. સરવાળે, આવા ચેકડેમો લોકભોગ્ય ન રહેતા, પાણીની સમસ્યા ઠેર ની ઠેર રહેવા પામે છે.
આ પરિસ્થિતિના ઉકેલ સ્વરૂપે વેર-૨ યોજના વિભાગ-વ્યારા હસ્તકના જુજ પ્રોજેકટ કેનાલ સબ ડિવિઝન-૨, આહવા તથા દમણગંગા કેનાલ સબ ડિવિઝન-૩, આહવા દ્વારા રાજ્ય સરકારની મંજૂરી સાથે સૂચિત સ્થળ/નદીના કોતરોની તાંત્રિક શક્યતાઓ ચકાસી, મોજણી, સંશોધન અને આલેખન બાદ ટેન્ડર પ્રક્રિયા અનુસાર મોટા ચેકડેમો બનાવવાની કાર્યવાહી હાથ ધરવામા આવી રહી છે.
આ કામગીરી અંતર્ગત ડાંગ જિલ્લામા અત્યાર સુધી દમણગંગા યોજના વર્તુળ-વલસાડ દ્વારા કુલ રૂ.૨૦૧૫.૨૩ લાખના ખર્ચે ૨૪ જેટલા ચેકડેમોનુ નિર્માણ કાર્ય પૂર્ણ કરવામા આવ્યુ છે. જેની જળ સંગ્રહ શક્તિ ૩૨.૨૭ મીટર ઘનફૂટ અને લાભાન્વિત વિસ્તાર ૮૭૬ હેક્ટર જેટલો થાય છે. તેજ રીતે ઉકાઈ વર્તુળ-ઉકાઈ દ્વારા જિલ્લામા રૂ.૬૨૦૭.૨૪ લાખના ખર્ચે ૧૧૦ ચેકડેમોનુ નિર્માણ કાર્ય સંપન્ન કરાયુ છે. જેની જળ સંગ્રહ શક્તિ ૧૯૨.૯૦ મીટર ઘન ફૂટ તથા લાભાન્વિત વિસ્તાર ૧૯૬૪ હેક્ટર છે. આમ, આ બન્ને વિભાગો દ્વારા કુલ રૂ.૮૨૨૨.૪૭ લાખના ખર્ચે ૧૩૪ ચેકડેમોનુ કામ પૂર્ણ કરાયુ છે. જેનાથી ૨૨૩.૧૭ મીટર ઘનફૂટ જળ સંગ્રહ શક્તિ સાથે ૨૮૪૦ હેક્ટર વિસ્તારને લાભ મળી રહ્યો છે. ઉપરાંત ઉક્ત બન્ને વિભાગોના કુલ રૂ.૪૭૧૧ લાખની લાગતના અન્ય ૮ જેટલા ચેકડેમોના કામો પ્રગતિ હેઠળ છે.
જ્યારે સને ૨૦૨૪-૨૫ ના વર્ષમા બીજા રૂ. ૧૮૮૮ લાખની કિંમતન કુલ ૧૨ નવા ચેકડેમને રાજ્ય સરકારની વહીવટી મંજૂરી મળવા પામી છે. તો સને ૨૦૨૫-૨૬ ના વર્ષ માટે કુલ રૂ. ૭૭૪૨ લાખની કિંમતના અન્ય ૨૨ ચેકડેમ/વિયરનુ આયોજન પણ ઉક્ત વિભાગો દ્વારા ઘડી કાઢવામા આવ્યુ છે.
ડાંગના વહી જતા પાણીને નાના અને મધ્યમ કદના ડેમો/વિયરોના નિર્માણથી ડાંગમાં જ રોકી, ડાંગના લોકોની પાણીની જરૂરિયાત કાયમી રીતે સંતોષવાની દિશામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જીન સરકાર કાર્ય કરી રહી છે.
