News

તાપી જિલ્લા પ્રેસ ક્લબનું કલેક્ટર-SP અને માહિતી વિભાગને આવેદન

તાપી જિલ્લામાં બહારના જિલ્લાના પત્રકારોના પ્રવેશ સહિત વિવિધ મુદ્દે કાર્યવાહી કરવાની માંગ

તાપી જિલ્લા પ્રેસ ક્લબ દ્વારા જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક (SP) તેમજ માહિતી વિભાગને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના પત્રકારોના હિતને ધ્યાનમાં રાખીને વિવિધ મુદ્દાઓ અંગે તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.

પ્રેસ ક્લબ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે અન્ય જિલ્લાના કેટલાક પત્રકારો જાહેરાતના નામે તાપી જિલ્લામાં આવી અધિકારીઓ તથા સ્થાનિક પત્રકારો સાથે ઘર્ષણ કરતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આવા કિસ્સાઓમાં યોગ્ય તપાસ કરી આવા લોકોને તાપી જિલ્લામાં પ્રવેશતા અટકાવવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી.

આ ઉપરાંત કોમર્શિયલ વાહનો પર અથવા ખોટી રીતે વાહનો પર ‘પ્રેસ’ લખીને ફરતા લોકો સામે પણ કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી હતી. માત્ર રૂપિયા 5થી 10 હજાર જેવી રકમમાં પત્રકારોના કાર્ડ મેળવી પત્રકારત્વના વ્યવસાયને બદનામ કરતા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.

પ્રેસ ક્લબે નંબર પ્લેટ વગરની તેમજ કાળા કાચવાળી કારમાં ફરતા તત્વો સામે પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.

માહિતી વિભાગમાં જિલ્લાની બહારના પત્રકારોને દૂર કરી તાપી જિલ્લાના સ્થાનિક પત્રકારોના હિતમાં નિર્ણય લેવા અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી.

સાથે જ, સત્ય અને જનહિતના મુદ્દાઓને લઈને સમાચાર પ્રસારિત કરતા પત્રકારો સામે ખોટા કેસ અથવા બિનજરૂરી હેરાનગતિ ન થાય, તે માટે પણ તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

તાપી જિલ્લા પ્રેસ ક્લબે ઉપરોક્ત તમામ મુદ્દાઓ અંગે યોગ્ય તપાસ કરી નિયમ મુજબ કાર્યવાહી કરવા અને સ્થાનિક પત્રકારોના હિતોનું રક્ષણ કરવા તંત્ર સમક્ષ માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *