News

સોનગઢ તાલુકાના સાદડકુવા ગામમાં વિકાસનો અભાવ: રસ્તાની હાલત બિસ્માર, ગ્રામજનોમાં રોષ

તાપી જિલ્લા ના સોનગઢ તાલુકો હેઠળ આવેલ સાદડકુવા ગામ આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યું છે. દેશને આઝાદી મળ્યાને દાયકાઓ વીતી ગયા હોવા છતાં ગામના વિકાસમાં કોઈ નોંધપાત્ર પ્રગતિ જોવા મળતી નથી, જેના કારણે સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો છે.
ગામના મુખ્ય પ્રશ્નોમાં સૌથી મોટો પ્રશ્ન રોડ-રસ્તાનો છે. જિલ્લા પંચાયત હસ્તક આવતો સાદડકુવા ગામનો રસ્તો હાલ બિસ્માર હાલતમાં છે. ખાડા, ધૂળ અને કાદવથી ભરેલો રસ્તો ગ્રામજનો માટે રોજિંદી મુશ્કેલીનું કારણ બની ગયો છે. વરસાદી મોસમ દરમિયાન તો હાલત વધુ વિકટ બની જાય છે, જ્યાં વાહન વ્યવહાર તો દૂર, પગપાળા જવું પણ મુશ્કેલ બની જાય છે.


આ ગામ સોનગઢ કિલ્લો પાછળ આવેલ હોવા છતાં, ઐતિહાસિક મહત્વ ધરાવતા વિસ્તારની આવી વાસ્તવિકતા વિકાસના દાવાઓ પર સવાલ ઊભા કરે છે.
હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ સમયે સાદડકુવા ગામના રહેવાસીઓએ પોતાના મૂળભૂત હક્ક – સારી રસ્તા વ્યવસ્થા માટે સરકાર સમક્ષ માંગણી ઉઠાવી છે. ગ્રામજનોનો પ્રશ્ન છે કે છેલ્લા પાંચ વર્ષ સુધી સત્તા પર રહેલા તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યોએ ગામના વિકાસ માટે શું કામ કર્યું?
ગ્રામજનો જણાવે છે કે, અનેક વખત રજૂઆતો અને અરજીઓ કર્યા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે આજે પણ ગામ વિકાસથી વંચિત છે.
સ્થાનિક લોકો સરકાર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી તાત્કાલિક રસ્તા સુધારણા તેમજ અન્ય પ્રાથમિક સુવિધાઓ માટે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે, તો આવનારી ચૂંટણીમાં તેનો પ્રભાવ જોવા મળી શકે છે.
અંતમાં, સાદડકુવા ગામના લોકો માટે હવે વિકાસ માત્ર વચનોમાં નહીં, પરંતુ જમીન પર દેખાવા જોઈએ – એવી માંગ સાથે ગ્રામજનો આશાવાદી છે કે આ વખતે તેમની અવાજ સત્તાધીશો સુધી પહોંચશે.

સાઉથ ગુજરાત બ્યુરો નરેશ માળી (અભય જાદુગર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *