News

તાપી જિલ્લાના શહીદ વીર જવાન ઋત્વિક કુમાર ચૌધરીના પરિવારને વિશેષ શહીદ સન્માન અને રૂ. ૧ કરોડની સહાય આપવા ‘સમસ્ત આદિવાસી સમાજ’ની સરકાર સમક્ષ માંગ.

જમ્મુ-કાશ્મીર સરહદે માતૃભૂમિની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર ઉખલદા ગામના ભૂમિપુત્ર અમર રહોના નારા સાથે રાજકીય અને સામાજિક આગેવાનોની ભાવભીની શ્રદ્ધાંજલિ.

તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના ઉખલદા ગામના વતની અને ભારતીય સેનાની 57 ફિલ્ડ રેજિમેન્ટમાં ફરજ બજાવતા વીર જવાન શ્રી ઋત્વિક કુમાર અશોકભાઈ ચૌધરી ગત તા. ૦૩/૦૯/૨૦૨૬ની રાત્રે જમ્મુ-કાશ્મીર સરહદ વિસ્તારમાં દેશની રક્ષા કાજે ફરજ બજાવતા શહીદ થયા હતા. આ સમગ્ર ઘટનાને પગલે સમસ્ત આદિવાસી સમાજ અને સમગ્ર તાપી જિલ્લાની જનતામાં અત્યંત શોકની સાથે ગૌરવની લાગણી વ્યાપી ગઈ હતી.આ પ્રસંગે સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત રાજયના પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયા,ડો. નિરવ ભુલાભાઇ પટેલ,મિત્તલ ચૌધરી,એક્સ આર્મી નાયક મુકેશ નારણપોર,કાર્તિક,મનીષ ઢોડિયા અને ગુજરાત સરકારના મંત્રી જયરામ ગામિત,માજી મંત્રી કુંવરજી હળપતી,માજી સાંસદ અમરસિંહ ઝેડ ચૌધરી સહિતના અનેક નામી અનામી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.આ શહીદ વીર જવાનના પરિવારની સ્થિતિ અતિશય સામાન્ય અને સાધારણ હોવાને કારણે, રાજ્ય સરકાર દ્વારા તેમને માત્ર ઔપચારિક સહાય આપવાને બદલે એક વિશેષ સન્માન અને કાયમી પુનર્વસન પેકેજ આપવામાં આવે તે માટે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા તાપી જિલ્લા કલેકટર, ગૃહ મંત્રી અને વરિષ્ઠ સચિવોને ઈમેલ મારફતે એક વિસ્તૃત અને મજબૂત રજૂઆત કરવામાં આવી છે.

આગેવાનોએ શહીદ પરિવારની મુલાકાત લીધા બાદ વહીવટીતંત્ર સમક્ષ મુખ્ય ૧૦ મુદ્દાઓની માંગણી મૂકી છે:રૂ. ૧ કરોડની તાત્કાલિક આર્થિક સહાય તેમજ સરકારી નોકરીની જોગવાઈ તેમજ શહીદ સ્મારકનું નિર્માણ તેમજ સ્થાનિક વિસ્તારના મુખ્ય રસ્તા, ચોક કે શાળાનું નામ શહીદ જવાનના નામે રાખવામાં આવે તેમજ શહીદના આશ્રિત બાળકોને ઉચ્ચ શિક્ષણ સુધીની ફી અને હોસ્ટેલ સહિતનો તમામ ખર્ચ સરકાર ઉપાડે તેમજ મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ શહીદના પરિવારને પ્રાથમિકતાના ધોરણે પાકું મકાન કે આવાસ સહાય ફાળવવામાં આવે તેમજ સરકારી કચેરીઓના ધક્કા ખાધા વગર તમામ લાભો ઝડપથી મળી રહે તે માટે જિલ્લા કક્ષાએ એક વરિષ્ઠ નોડલ અધિકારીની નિમણૂક થાય તેમજ તાપી જિલ્લાના આદિવાસી યુવાનોને પ્રેરણા મળે તે હેતુથી શહીદના નામે સૈન્ય ભરતી અને માર્ગદર્શન કેન્દ્ર શરૂ કરવામાં આવે તેમજ આરોગ્ય, આવાસ અને સામાજિક સુરક્ષાની તમામ યોજનાઓ શહીદના પરિવારને અગ્રતાના ધોરણે પહોંચાડવામાં આવે તેમજ શહીદના પાર્થિવ દેહને જ્યારે ગુજરાત લાવવામાં આવે ત્યારે પૂર્ણ રાજકીય સન્માન અને રાજ્ય સરકારના ઉચ્ચ પ્રતિનિધિઓની હાજરી સાથે અંતિમ વિદાય આપવામાં આવે.સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, દેશની સરહદો સાચવતા જે જવાને પોતાના જીવનું બલિદાન આપ્યું છે, તેના પરિવારને પોતાના હક માટે સરકારી કચેરીઓમાં ભટકવું ન પડે તે જોવાની જવાબદારી સરકારની છે.

આ બાબતને સામાન્ય વહીવટી પ્રક્રિયા ગણવાને બદલે સર્વોચ્ચ સંવેદનશીલતા અને અગ્રતા આપીને તાત્કાલિક ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી સમયબદ્ધ નિર્ણયો લેવા અને તેની લેખિત જાણ કરવા તંત્રને આગ્રહપૂર્વક માંગ કરવામાં આવી છે.સાચું સન્માન માત્ર શ્રદ્ધાંજલિ આપવાથી નહીં, પરંતુ શહીદના પરિવારનું ભવિષ્ય અને સુરક્ષા સુનિશ્ચિત કરવાથી જ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *