News

વડાપ્રધાનશ્રીના નવસારીમાં આગમન પૂર્વે નવસારી મહાનગરપાલિકા દ્વારાવ્યાપક સફાઈ ઝુંબેશ

ગુરુવાર: નવસારીઃ- દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી તા. ૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ નવસારી ખાતે પધારનાર છે જેના ભાગરૂપે નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મોડલને સાકાર કરવા માટે વ્યાપક સફાઈ ઝુંબેશ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રીના કાર્યક્રમ પૂર્વે સમગ્ર નવસારી મહાનગરપાલિકા દ્વારા ૧૩ વોર્ડમાં આગામી તા.૮ સપ્ટેમ્બર ૨૦૨૬ સુધી સઘન સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

     આ સફાઈ ઝુંબેશ અંતર્ગત નવસારી શહેરમાં ઘન કચરાનું ઘર-ઘરથી સુવ્યવસ્થિત એકત્રીકરણ, પરિવહન અને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા સાથે પ્રવાહી કચરાના વ્યવસ્થાપન માટે ગટરના પાણીના રીસાઈકલિંગ અને રી-યુઝ પર ભાર મુકવામાં આવ્યો છે. 

        આ કામગીરીને સુચારુ રૂપે પાર પાડવા માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા દરેક વોર્ડ દીઠ ઇજનેરો, સેનેટરી ઇન્સ્પેક્ટરો, ગાર્ડન વિભાગના કર્મચારીઓ તેમજ નોડલ અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવી છે. આ સાથે જ સ્થાનિક સરપંચશ્રીઓ, તલાટી કમ મંત્રીઓ, પંચાયત સભ્યો અને ચૂંટાયેલા વોર્ડ કાઉન્સિલરોને સાંકળીને ગ્રુપ એક્ટિવિટી મારફતે ગ્રામજનો અને શહેરીજનોને કચરાના યોગ્ય નિકાલ અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે. 

         અભિયાન દરમિયાન પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંદેશ પ્રસરાવવા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરાવી કાપડની થેલીના વપરાશનો પ્રચાર-પ્રસાર કરાઈ રહ્યો છે. ઉપરાંત, ઘન કચરા વ્યવસ્થાપન ૨૦૨૬ના નવા નિયમો અંગે સ્થાનિકો અને જનપ્રતિનિધિઓને માહિતગાર કરી, પોસ્ટર, બેનર અને ભીંત ચિત્રો દ્વારા મહત્તમ લોકોને આ સ્વચ્છતા ઝુંબેશમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *