ધરમપુર તાલુકાના આસુરા ગામમાં રાજારજવાડાઓના સમયથી દરવર્ષે આઠમ નિમિતે ગામદેવી માતાની ત્યારબાદ ડુંગર પર નીચે બરામદેવ અને ઉપર માવલી માતાની પૂજા થતી આવેલ હતી,પરંતુ શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટ દ્વારા ડુંગર પર કબ્જો મેળવ્યા બાદ છેલ્લા 8 વર્ષથી ગામલોકોની પૂજા માટે આવવા જવાનો રસ્તો બંધ થઇ જતા માવલીમાતાના ભાવિક ભક્તોમાં ભારે રોષની લાગણી પ્રસરી હતી.આથી ગ્રામજનો દ્વારા આ બાબતની જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ સર્જન અને યુથલીડર ડો.નિરવ ભુલાભાઇ પટેલને જાણ કરતા ડો. પટેલે દેવથાનકની મુલાકાત લઇ ગ્રામજનો માટે નિર્વિઘ્ને અને નિર્વિવાદ આઠમની પૂજા થાય તે માટે માતાની માનતા માની હતી અને આ બાબતે રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ અને વલસાડ કલેકટરને રજૂઆત કરી હતી.આ બાબતે ગ્રામજનો દ્વારા પણ ગાંધીજયંતીની ગ્રામસભામાં પણ પસ્તાળ પાડી હતી

શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટ દ્વારા કોઈપણ વિવાદ વગર માવલી માતાના તમામ ભાવિક ભક્તો માટે રસ્તા ખુલ્લા કરી દીધા હતા જેના લીધે ભાવિકભક્તોમાં હર્ષોલ્લાસ વ્યાપી ગયો હતો અને તારપા,ઘાંઘળી,ખંજરી વગાડતા બરામદેવ અને માવલી માતાની ભારે શ્રદ્ધા સાથે પૂજા કરી હતી અને દરેક ભાવિક ભક્તોની આંખોમાં ખુશીઓના આંસુ હતા.સુરેશભાઈ,
ભગત છોટુભાઈ,રાજેશભાઈ તારપાવાળા આમદુભાઈ સહીત અનેક ભાવિક ભક્તો ખુબ મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે શ્રીમદ રાજચંદ્ર ટ્રસ્ટે આદિવાસીઓની આસ્થાઓના કેન્દ્ર એવા બરામદેવ અને માવલી માતા તેમજ દરેક હિંદુઓની આસ્થાના કેન્દ્ર એવા હનુમાનજીના દર્શન માટે ખુલ્લામને રસ્તાઓ ખુલ્લા મૂકીને સર્વધર્મ સમભાવનું ઉત્તમ ઉદાહરણ પાડવું જોઈએ.
