વલસાડ જિલ્લામાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ સાથે નૂતન કેળવણી મંડળની ઓફિસ પર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
માહિતી અનુસાર, ગત ૨૫મી તારીખે ABVP વલસાડ જિલ્લા દ્વારા નૂતન કેળવણી મંડળના મંત્રીશ્રીને આવેદન પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનમાં જવાબદાર અધિકારીઓને ફરજ પરથી રજા પર ઉતારવાની માંગ કરવામાં આવી હતી. જોકે, માંગણીઓનો સંતોષકારક પ્રતિસાદ ન મળતા આજે ABVP દ્વારા મોરચો કાઢવામાં આવ્યો હતો.

પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા અને મંડળ વિરુદ્ધ નારેબાજી કરી હતી. સ્થિતિ તંગ બનતા અંતે મંડળના હોદેદારો સાથે ચર્ચા યોજાઈ હતી.
ચર્ચા બાદ નૂતન કેળવણી મંડળે લેખિતમાં ખાતરી આપી હતી કે આગામી ૨ દિવસમાં કમિટીનો રિપોર્ટ મળ્યા બાદ મંગળવારે તાત્કાલિક અસરથી જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
ABVP વલસાડ જિલ્લા સંયોજક મનન પટેલે ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો મંગળવાર સુધીમાં જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી નહીં થાય, તો આગળ વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને કોલેજને તાળાબંધી કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.
હાલમાં સમગ્ર મામલે વિદ્યાર્થીઓ અને સંચાલન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ છે. હવે મંગળવારે થનારી કાર્યવાહી પર સૌની નજર ટકેલી છે.
કૃણાલ ભોયા ,ધરમપુર (જીજે દેશી ન્યુઝ)
