વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં અતિ ભારે વરસાદ અને પૂરના કારણે મીઠા અગરિયાઓને થયેલા નુકસાન અંગે ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ દ્વારા સ્થાનિક અગરિયાઓ સાથે ભાગલ ગામની સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. મુલાકાત દરમિયાન અગરિયાઓ પાસેથી તેમની સમસ્યાઓ, તેમને થયેલું નુકસાન તેમજ તેમને પડતી મુશ્કેલીઓ અંગે વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી.

અગરિયાઓને થયેલા નુકસાનનું યોગ્ય સર્વેક્ષણ કરી તેમને જરૂરી સહાય અને રાહત મળે તે માટે સરકાર સમક્ષ સતત રજૂઆત કરવામાં આવી રહી છે. વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલે જણાવ્યું કે, અગરિયા સમાજના હિત અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર ગંભીર છે. અગરિયાઓને મુશ્કેલીના સમયમાં એકલા છોડવામાં નહીં આવે અને તેમને યોગ્ય સહાય મળે તે માટે જરૂરી તમામ પ્રયાસો કરવામાં આવશે. રાજ્ય સરકાર હંમેશા અગરિયા સમાજની સાથે ઉભી છે અને તેમના હિત માટે સતત પ્રયત્નશીલ રહેશે. આ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી અને મીઠા ઉદ્યોગ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીશ્રી જયરામ ગામીતને પણ વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે. જેથી આગામી દિવસોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વે કરી વળતર આપવામાં આવે તે માટેના પ્રયત્ન ચાલુ છે.
