સ્વામી વિવેકાનંદ ઇન્સ્ટિટ્યુટ ઓફ માઉન્ટેનિયરિંગ (SVIM) પરિવાર અને સમગ્ર ગુજરાત માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ અંકિત થઈ છે. કમિશ્નર શ્રી યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ,ગાંધીનગર અંતર્ગત કાર્યરત સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માઉન્ટ આબુ દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ નિ: શુલ્ક હિમાલય ભ્રમણ કાર્યક્રમ 2026 નું આયોજન કરવામાં આવેલ જેમાં હિમાચલ પ્રદેશ ખાતે આવેલા અંદાજે ૬,૧૧૧ મીટર (૨૦,૦૫૦ ફૂટ) ઊંચા અતિ દુર્ગમ અને પડકારજનક ‘માઉન્ટ યુનામ’ શિખર પર SVIM ની ૧૨ સભ્યોની સાહસિક ટીમ પૈકી ૧૧ સભ્યોએ સફળતાપૂર્વક ચઢાણ કરી રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવ્યો છે.

આ ગૌરવયાત્રામાં ડાંગ જિલ્લાનું નામ પણ વિશેષ રૂપે ઝળક્યું છે. ડાંગ જિલ્લાના સ્થાનિક આદિવાસી યુવા પર્વતારોહક અનિલ ગવળીએ આ અભિયાનમાં અગ્રેસર રહી શિખર સર કર્યું છે. હિમાલયની બર્ફીલી ટેકરીઓ અને વિષમ આબોહવા વચ્ચે દર્શાવેલા આ સાહસ અને ધૈર્યને ડાંગ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરીએ દ્વારા બિરદાવી હાર્દિક અભિનંદન પાઢવ્યા હતાં.
અત્યંત કઠિન ભૌગોલિક પરિસ્થિતિ અને હાડ થીજવતી ઠંડી વચ્ચે સંપન્ન થયેલા આ અભિયાનનું નેતૃત્વ SVIM ના પ્રિન્સિપાલ રાજલ પટેલે સંભાળ્યું હતું. જ્યારે ટીમ મેનેજર તરીકે પારસ ગેહલોત અને ડેપ્યુટી લીડર તરીકે સંજય અંસારી જોડાયા હતા.
આ સફળ આરોહણમાં પર્વતારોહક ટીમ સભ્ય તરીકે ડાંગ જિલ્લાના અનિલ ગવળી અને શિવરામ ગવળી સહિત સાજિદ સૈયદ, શ્રુષ્ટિ પટેલ, નિકિતા ચૌધરી, જીગર ચૌહાણ, અજય યાદવ, લલિત ભકુંડરા અને વિપુલ રાવલે પોતાની અદમ્ય ઇચ્છાશક્તિ અને સાહસિક ભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
સમગ્ર ટીમની આ ઐતિહાસિક સિદ્ધિ બદલ SVIM સંસ્થાન દ્વારા ટીમના તમામ સભ્યોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ સહ અભિનંદન પાઢવ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લાના પર્વતારોહક ભોવાન રાઠોડ દ્વારા તાજેતરમાં જ આ પર્વત શિખર સફળતાં પુર્વક સર કરવામાં આવેલ હતું. તેથી ડુંગરાળ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં પણ કાયમી ધોરણે પર્વતારોહણ માટેનું તાલીમ કેન્દ્ર શરૂ થાય તો આદિવાસી સાહસિક યુવાઓને મોટી સંખ્યામાં ભાગ લેવાની તક સાંપડી શકે છે તેમજ યુવાઓ પર્વતરોહણ થકી જિલ્લા, રાજ્ય અને દેશનું નામ રોશન કરી શકે છે .
