News

તાપી જિલ્લામાં “આદિ આદર્શ યોજના” હેઠળ કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે મુખ્યમંત્રીને રજૂઆત: મેઝરમેન્ટ બુક (MB)ની ફોરેન્સિક તપાસ અને ઉચ્ચ સ્તરીય ઓડિટની માંગ.

તાપી જિલ્લાના ઉચ્છલ,વ્યારા અને સોનગઢ તાલુકામાં વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન “આદિ આદર્શ યોજના” હેઠળ મંજૂર થયેલા પીવાના પાણીના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર અને વહીવટી ગેરરીતિઓ આચરાઈ હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સમસ્ત આદિવાસી સમાજના યુવાઆગેવાન અને જાણીતા ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડો.નિરવ ભુલાભાઈ પટેલે આ અંગે રાજ્યના મુખ્યમંત્રીને એક વિસ્તૃત અને ચોંકાવનારી રજૂઆત કરી છે અને તેમણે આ સમગ્ર કૌભાંડની તપાસ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) અથવા વિજિલન્સ કમિશન દ્વારા કરાવવાની માંગ કરી છે.મુખ્યમંત્રીને મોકલવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે,આદિવાસી વિસ્તારોના વિકાસ અને ખાસ કરીને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ માટે ફાળવવામાં આવેલા જાહેર નાણાંનો મોટો દુરુપયોગ થયો છે. પ્રાથમિક અહેવાલો મુજબ, જુદા જુદા તાલુકા અને અલગ-અલગ અધિકારીઓના કાર્યક્ષેત્ર હેઠળના કામો હોવા છતાં, સરકારી રેકોર્ડ સમાન એવી મેઝરમેન્ટ બુક (MB)માં એક જ વ્યક્તિના હસ્તાક્ષર (રાઈટિંગ) જોવા મળ્યા છે.આ બાબત શંકા જન્માવે છે કે સ્થળ પર કોઈ માપણી કે તપાસ થયા વિના જ કાગળ પર બિલ બનાવીને નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે.ડો.નિરવ પટેલે સરકાર સમક્ષ શંકાસ્પદ મેઝરમેન્ટ બુકના લખાણ અને સહીના નમૂનાઓને તાત્કાલિક રાજ્યની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલી વૈજ્ઞાનિક તપાસ કરાવવામાં આવે.કૌભાંડના પુરાવાઓ સાથે છેડછાડ ન થાય તે માટે ટેન્ડર, વર્ક ઓર્ડર, મંજૂરીઓ અને કોન્ટ્રાક્ટરના બિલો સહિતના તમામ મૂળ દસ્તાવેજો તાત્કાલિક કબજે લેવામાં આવે.સરકારી કાગળો પર દર્શાવેલા પાણીની મીની ટાંકીઓ, નળ અને બોરવેલ ખરેખર જમીન પર અસ્તિત્વ ધરાવે છે કે નહીં અને તેની ગુણવત્તા કેવી છે, તેની જીપીએસ (GPS) અને જીઓ-ટેગિંગ સાથે સ્થળ તપાસ કરવામાં આવે.તપાસ પ્રક્રિયાને પ્રભાવિત ન કરી શકે તે માટે શંકાના દાયરામાં આવતા જવાબદાર સેક્શન ઓફિસર અને અન્ય વહીવટી અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અથવા અન્યત્ર બદલી કરવામાં આવે.જો તપાસમાં ગેરરીતિ સાબિત થાય તો ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓ પાસેથી વ્યાજ સાથે નાણાંની વસૂલાત કરી, તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને જવાબદારો સામે ફોજદારી ગુનો (FIR) દાખલ કરાય.આદિવાસી સમાજના હકની ગ્રાન્ટના એક-એક રૂપિયાનો હિસાબ જનતા સામે જાહેર કરવામાં આવે.આદિવાસી સમાજના અગ્રણીઓએ સ્પષ્ટ ચિમકી આપી છે કે આદિવાસી વિકાસના નાણાં કોઈ અધિકારી કે કોન્ટ્રાક્ટરની ખાનગી મિલકત નથી. આ મામલે સરકાર દ્વારા જો કોઈ રાજકીય કે વહીવટી દબાણ વગર નિષ્પક્ષ તપાસ નહીં કરાય, તો આગામી દિવસોમાં આંદોલનાત્મક પગલાં ભરવાની ફરજ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *