ગુજરાતના ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તાર અને વિશ્વપ્રસિદ્ધ ગિરિમથક સાપુતારા ખાતે આજે મોનસૂન ફેસ્ટિવલનો ભવ્ય અને રંગારંગ પ્રારંભ કરવામાં આવ્યો હતો. વરસાદી ઋતુ દરમિયાન ડાંગની પ્રાકૃતિક સુંદરતા તેમજ સમૃદ્ધ આદિવાસી લોકસંસ્કૃતિને દેશ-વિદેશના પ્રવાસીઓ સુધી પહોંચાડવાના હેતુથી યોજાયેલા આ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો અને પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મોનસૂન ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ રાજેશભાઈ, મંત્રી શ્રી જયરામભાઈ સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સાપુતારા ખાતે યોજાયેલા આ મહોત્સવમાં ડાંગ સહિત વિવિધ વિસ્તારોમાંથી આવેલા કલાકારો, યુવાનો અને યુવતીઓએ પોતાની પરંપરાગત આદિવાસી કલા, લોકનૃત્ય, લોકસંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રજૂઆત કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.
જોકે, એક તરફ મોનસૂન ફેસ્ટિવલનો ભવ્ય પ્રારંભ થયો હતો, ત્યારે બીજી તરફ કાર્યક્રમના સ્ટેજ કવરેજને લઈને પત્રકારોમાં નારાજગી જોવા મળી હતી.

સ્ટેજ પર યોજાયેલા મુખ્ય કાર્યક્રમનું કવરેજ કરવા માટે કેટલાક સુરક્ષા કર્મચારીઓ દ્વારા પત્રકારોને પરવાનગી આપવામાં ન આવતા મીડિયા કર્મચારીઓમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો.
મળતી માહિતી મુજબ, અંદાજે 40 જેટલા પત્રકારો અને મીડિયા કર્મચારીઓએ કવરેજની મંજૂરી ન મળવાના વિરોધમાં કાર્યક્રમમાંથી વોકઆઉટ કર્યું હતું.
પત્રકારોનું કહેવું હતું કે, જ્યારે આયોજકો દ્વારા સત્તાવાર રીતે મીડિયાને આમંત્રણ આપવામાં આવ્યું હતું, ત્યારે મીડિયા કવરેજ માટે જરૂરી વ્યવસ્થા તેમજ પ્રવેશની મંજૂરી અંગે અગાઉથી સ્પષ્ટતા થવી જરૂરી હતી.
એક તરફ સાપુતારામાં ડાંગની આગવી આદિવાસી સંસ્કૃતિ, લોકકલા અને પ્રાકૃતિક સૌંદર્યને ઉજાગર કરતો મોનસૂન ફેસ્ટિવલ શરૂ થયો છે, તો બીજી તરફ મીડિયા કવરેજને લઈને સર્જાયેલી નારાજગી પણ ચર્ચાનો વિષય બની છે.
