વાંસદા: નવસારી જિલ્લાના વાંસદા મુકામે દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોને સહાયક સાધનો ઉપલબ્ધ કરાવવાના હેતુથી નિઃશુલ્ક એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ દ્વારા રાષ્ટ્રીય વયશ્રી યોજના હેઠળ તા. 17 ઓગસ્ટ, 2026ના રોજ વાંસદા કુમાર શાળા ખાતે આ કેમ્પ યોજાયો હતો.

કેમ્પમાં વાંસદા તાલુકાના 141 દિવ્યાંગ લાભાર્થીઓ અને 383 વરિષ્ઠ નાગરિકો મળી કુલ 524 લાભાર્થીઓએ ઓફલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. લાભાર્થીઓના એસેસમેન્ટ બાદ તેમની જરૂરિયાત મુજબ નિઃશુલ્ક સહાયક ઉપકરણો ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કેમ્પને સફળ બનાવવા માટે વાંસદા મામલતદાર કચેરી, તાલુકા પંચાયત તેમજ વાંસદા અને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સંકલિત કામગીરી કરવામાં આવી હતી. સવારથી મોટી સંખ્યામાં પહોંચેલા લાભાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે વહીવટી તંત્ર દ્વારા સુવ્યવસ્થિત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
લાભાર્થીઓ માટે નાસ્તા અને ફળની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કેમ્પ દરમિયાન લાભાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને સહાય મળી રહે તે માટે વહીવટી તંત્ર તથા આરોગ્ય વિભાગની ટીમ સક્રિય રહી હતી.

આ આયોજનને સફળ બનાવવા માટે વાંસદા મામલતદારશ્રીની ભૂમિકા પણ મહત્વપૂર્ણ રહી હતી. વહીવટી તંત્ર, આરોગ્ય વિભાગ અને તાલુકા કક્ષાના કર્મચારીઓના સંકલિત પ્રયાસોથી કેમ્પ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થયો હતો.
દિવ્યાંગો અને વરિષ્ઠ નાગરિકોને સહાયક ઉપકરણો દ્વારા વધુ આત્મનિર્ભર અને સુવિધાસભર જીવન તરફ આગળ વધારવાના આ પ્રયાસને લાભાર્થીઓ દ્વારા આવકારવામાં આવ્યો હતો.
