
થરામાં જીવદયાનો ભગીરથ કાર્યક્રમ સંપન્ન: પક્ષીઓ માટે ૧૫૦૦ ચકલીઘર અને ૧૫૦૦ કુંડાનું નિ:શુલ્ક વિતરણ કરાયું
થરા
બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના થરા ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને રાખીને મૂંગા પક્ષીઓની સેવા માટે એક ભવ્ય જીવદયા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જન સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મહારાણા પ્રતાપ સેવા ગૃપ (બનાસકાંઠા) અને મહાકાલ સેના (બનાસકાંઠા) દ્વારા સંયુક્ત રીતે આ માનવતાવાદી કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
થરા એપીએમસી ગેટ પાસે આયોજિત આ કાર્યક્રમમાં આસપાસના વિસ્તારના સેવાભાવી નાગરિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે આયોજક શૈલેન્દ્રસિંહ વાઘેલા, ભૂપતસિંહ રાજપૂત તથા તેમની ટીમ દ્વારા પક્ષીઓ માટે ૧૫૦૦ ચકલીઘર અને ૧૫૦૦ પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત પધારેલા આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આયોજકોએ જણાવ્યું હતું કે, “પક્ષીઓ પણ સૃષ્ટિનો એક મહત્વનો ભાગ છે. ગરમીના દિવસોમાં તરસ્યા પક્ષીઓને પાણી અને રહેવા માટે માળો મળી રહે તે હેતુથી આ વિતરણ કરવામાં આવ્યું છે. પક્ષીઓની સેવા એ જ સાચા અર્થમાં માનવધર્મ છે.”
આ સેવાકીય પ્રવૃત્તિને સ્થાનિક રહીશોએ બિરદાવી હતી અને મહાકાલ સેના તથા મહારાણા પ્રતાપ સેવા ગૃપના આ પ્રેરણાદાયી પગલાની ચોમેર પ્રશંસા થઈ રહી છે.
અહેવાલ ચેહરસિંહ વાઘેલા
