News

કુકરમુંડામાં ગેરકાયદે રેતી ખનન પર તંત્રનો મોટો દરોડો, ₹1.58 કરોડના સાધનો સીઝ

કુકરમુંડા, તાપી: કુકરમુંડા તાલુકાના જુના કુકરમુંડા ગામ ખાતે ગેરકાયદે રેતી ખનનની પ્રવૃત્તિ સામે તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ નિઝર, મામલતદાર કુકરમુંડા તથા તેમની ટીમ દ્વારા સોમવારે આકસ્મિક તપાસ દરમિયાન અંદાજે ₹1.58 કરોડના સાધનો અને રેતીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, જુના કુકરમુંડા ગામના સર્વે નં. 961 વિસ્તારમાં કોઈપણ પ્રકારની કાયદેસરની પરવાનગી વિના રેતી ખનન કરવામાં આવી રહ્યું હોવાની બાતમીના આધારે અધિકારીઓએ સ્થળ પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખાણ-ખનિજ વિભાગ દ્વારા આ વિસ્તારમાં ખનન માટે કોઈ મંજૂરી આપવામાં આવી ન હોવાનું સામે આવ્યું હતું.

દરોડાની કાર્યવાહી દરમિયાન સ્થળ પર કામ કરી રહેલા લોકો અધિકારીઓને જોઈને ફરાર થઈ ગયા હતા. જોકે, સ્થળ પરથી મોટી સંખ્યામાં ખનન માટે વપરાતા સાધનો મળી આવ્યા હતા. તંત્રએ 6 હિતાચી મશીનો, એક પીકઅપ ટેમ્પો (GJ-05-BT-5379), 10 નાવડીઓ, 10 ચારણાં, એક બિનનંબરની થાર જીપ, હોન્ડા યુનિકોર્ન મોટરસાયકલ (GJ-26-AF-9783), નાવડીઓ સાથે જોડાયેલા 60 પાઈપ, 250 પીપ તેમજ અંદાજે 120 ટન સાદી રેતી જપ્ત કરી હતી.

જપ્ત કરાયેલા તમામ સાધનો અને રેતીના જથ્થાની કુલ કિંમત અંદાજે રૂ. 1.58 કરોડ હોવાનું પ્રાથમિક અંદાજમાં જાણવા મળ્યું છે. ત્યારબાદ સમગ્ર મુદ્દામાલનો કબ્જો ખાણ અને ખનિજ વિભાગને સોંપવામાં આવ્યો છે.

આ મામલે વધુ કાનૂની કાર્યવાહી અને ગેરકાયદે ખનન સાથે સંકળાયેલા વ્યક્તિઓની ઓળખ માટે ખાણ-ખનિજ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તંત્રની આ કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્વોમાં ચકચાર મચી ગઈ છે.

સ્થાનિક લોકોમાં પણ આ કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે અને ગેરકાયદે ખનન સામે કડક પગલાં ભરવા માટે તંત્રની કામગીરીને આવકાર મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *