વાંસદા-ડાંગ – વાંસદા વિસ્તારમાં આવેલા ખંભાલિયા ગામની પ્રાથમિક શાળામાં નવા મકાનના બાંધકામને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે. એસેમસીના સભ્યોના જણાવ્યાનુસાર ટ્રાયબલ સબ પ્લાન (TSP)ની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલા નવા ઓરડાના બાંધકામમાં હલકી ગુણવત્તાનું મટીરીયલ વપરાયું હોવાના ગ્રામજનો અને શાળા એસએમસી સભ્યો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. બાંધકામ પૂર્ણ થયા બાદ વરસાદની શરૂઆત થતાં જ મકાનમાં પાણીનું લીકેજ શરૂ થતાં બાંધકામની ગુણવત્તા અંગેની ફરિયાદો સામે આવી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, શાળાના નવા મકાનના સ્લેબ પર વોટરપ્રૂફિંગની કામગીરી કરવામાં આવી હોવા છતાં વરસાદી પાણી મકાનની અંદર ટપકતું જોવા મળી રહ્યું છે. જેના કારણે વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવેલું મકાન કેટલું ટકાઉ અને ઉપયોગી રહેશે તે અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે.

એસએમસી સભ્યોની રજૂઆત છતાં કામગીરીમાં સુધારો નહીં?
શાળાના એસએમસી સભ્યો દ્વારા બાંધકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન કોન્ટ્રાક્ટરને અનેક વખત કામગીરીની ગુણવત્તા અંગે રજૂઆત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમ છતાં કોન્ટ્રાક્ટર દ્વારા પોતાની મનમાની મુજબ બાંધકામ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો થયા છે.
સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, બાંધકામમાં ઉપયોગમાં લેવાયેલા મટીરીયલની ગુણવત્તા તેમજ વિવિધ કામગીરી અંગે શરૂઆતથી જ વાંધા ઉઠાવવામાં આવ્યા હતા. પરંતુ યોગ્ય રીતે ધ્યાન ન અપાતા હવે મકાનની ખામીઓ વરસાદમાં સામે આવી રહી છે.
પાયાના બાંધકામને લઈને પણ સવાલો શાળાના મકાનના પાયાના પુરાણમાં પણ યોગ્ય ગુણવત્તાથી કામગીરી કરવામાં આવી ન હોવાના આક્ષેપો છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે, પાયાના ભાગમાં માટીનું પુરાણ યોગ્ય રીતે કરવામાં આવ્યું ન હોવાથી વરસાદી પાણી પાયાની અંદર જતું હોવાની સ્થિતિ સર્જાઈ છે.

જો આ આક્ષેપો સાચા હોય તો ભવિષ્યમાં મકાનની મજબૂતી અને સલામતી સામે પણ પ્રશ્નો ઊભા થઈ શકે છે. ખાસ કરીને બાળકો અભ્યાસ કરતા હોય તેવી શાળાના મકાનમાં બાંધકામની ગુણવત્તા અંગે બેદરકારી ગંભીર બાબત ગણાય છે.
ટ્રાયબલ સબ પ્લાનની ગ્રાન્ટમાંથી શાળાનું મકાન બનાવવામાં આવ્યું હોવાથી ગ્રામજનોમાં સવાલ ઉઠી રહ્યો છે કે સરકારી નાણાંમાંથી બનેલા આ મકાનના બાંધકામમાં નક્કી કરાયેલા ધોરણોનું પાલન થયું છે કે નહીં?
ગ્રામજનો અને એસએમસી સભ્યો દ્વારા સમગ્ર બાંધકામની ગુણવત્તાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને વપરાયેલા મટીરીયલ તથા કામગીરીની ટેક્નિકલ ચકાસણી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
