બીજાની થાર પોતાની હોવાનું કહી વેચાણનો નાટક, રોકડા અને ગૂગલ-પે મારફતે રૂપિયા પડાવ્યા; એક ગાડી ગાયબ કર્યા બાદ બીજી ગાડી બતાવી ફરી રૂપિયા પડાવવાનો પ્રયાસ.
ચીખલી તાલુકાના રાનકુવાના યુવાનને ફેસબુક પર થાર ગાડી વેચવાના બહાને વિશ્વાસમાં લઈ રૂ. 4.07 લાખની છેતરપીંડી કરનાર આંતરજિલ્લા ઠગ ટોળકીનો ભાંડો ફૂટ્યો છે. બીજાની કાર પોતાની હોવાનું જણાવી સસ્તામાં વેચાણની લાલચ આપી રૂપિયા પડાવ્યા બાદ ગાડી ગાયબ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ બીજી થાર બતાવી ફરીથી લાખો રૂપિયા પડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ફરિયાદના આધારે પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી બે આરોપીઓને ઝડપી કોર્ટમાંથી રિમાન્ડ મેળવી સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે.જ્યારે હાલ તો પોલીસના જણાવ્યા મુજબ રાનકુવા ખાતે રહેતા પ્રણવસિંહ જયેશસિંહ પરમારનો આશરે છ માસ અગાઉ ફેસબુક મારફતે ભૌતિક ગોસ્વામી સાથે સંપર્ક થયો હતો. ભૌતિકે થાર (નંબર GJ-01-WF-0248)ના ફોટા મોકલી લોન ચાલુ હોવા છતાં હપ્તા નિયમિત

ભરાતા હોવાનું કહી રૂ. 5.50 લાખમાં વેચવાની ઓફર કરી હતી. ગાડી પસંદ પડતાં પ્રણવસિંહે સોદો નક્કી કર્યો હતો.આરોપી ભૌતિકે સેફખાન નામના વ્યક્તિ મારફતે નોગામા ખાતે ગાડી પહોંચાડાવી હતી. ત્યાં ફરિયાદીએ રૂ. 3 લાખ રોકડા અને રૂ. 95 હજાર ગૂગલ-પે મારફતે ચૂકવ્યા હતા. બાદમાં કાગળો અને બીજી ચાવી મોકલવાના બહાને ડીઝલ ખર્ચ પેટે વધુ રૂ. 5 હજાર પણ ઓનલાઈન પડાવી લેવામાં આવ્યા હતા.ગાડી મિત્રના ઘરે પાર્ક કર્યા બાદ રાત્રે રહસ્યમય રીતે ગાયબ થઈ ગઈ હતી. પૂછપરછ કરતાં આરોપીએ જીપીએસ મારફતે ગાડી ગોધરા પહોંચી હોવાનું કહી ચિંતા ન કરવા જણાવ્યું હતું. ત્યારબાદ બીજી ફોર્ચ્યુનર અથવા થાર આપવાના નામે ફરી લાખો રૂપિયાની માંગણી કરી હતી. 22 જુલાઈએ બે શખ્સો બીજી થાર લઈને આવ્યા હતા અને પોતે ગાડીના માલિક હોવાનું કહી રૂ. 2.70 લાખની માંગણી કરી હતી. જોકે ફરિયાદીએ ઓળખપત્ર માંગતા બંને ઉશ્કેરાઈ ગયા હતા. પૂછપરછ દરમિયાન એક આરોપીએ પોતાનું સાચું નામ નૂરુલહક્ક ઉર્ફે સૂફીયાન ચૌહાણ હોવાનું કબૂલ્યું હતું. ત્યારબાદ સમગ્ર કાવતરાનો પર્દાફાશ થયો હતો.જ્યારે ફરિયાદના આધારે પોલીસે ભૌતિક ગોસ્વામી (અમદાવાદ/સાબરકાંઠા), નૂરુલહક્ક ઉર્ફે સૂફીયાન જાહેદભાઈ ચૌહાણ (વડોદરા), સેફખાન અને સરમન શૈલેશ રજવાડી (વડોદરા) સામે છેતરપીંડી, વિશ્વાસઘાત અને ગુનાહિત કાવતરાનો ગુનો નોંધ્યો છે. પોલીસે નૂરુલહક્ક ઉર્ફે સૂફીયાન ચૌહાણ અને સરમન રજવાડીની ધરપકડ કરી કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા છે. હવે આ ટોળકીએ અન્ય કેટલા લોકોને આવી જ રીતે શિકાર બનાવ્યા છે તેમજ ગાડીઓ કેવી રીતે મેળવી વેચાણનો ખેલ રમાતો હતો તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે.
