નવસારી જિલ્લાના ચિખલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પિતા-પુત્રીના સંબંધને કલંકિત કરતી અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. નવસારીના DySP ભગીરથસિંહ ગોહિલ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, ચિખલી તાલુકામાં રહેતા અનિલ અમૃતભાઈ રાઠોડ નામના શખ્સે પોતાની લિવ-ઈન પાર્ટનરની બે સગીર વયની દીકરીઓ પર લાંબા સમય સુધી દુષ્કર્મ ગુજાર્યું હોવાનો ખુલાસો થયો છે.

DySP એ જણાવ્યું હતું કે, આરોપી અનિલ રાઠોડ એક મહિલા સાથે છેલ્લા ૬ વર્ષથી લિવ-ઈન રિલેશનશિપમાં રહેતો હતો. આ મહિલાને તેના અગાઉના લગ્નથી ચાર સંતાનો હતા, જે પૈકીની બે સગીર વયની દીકરીઓ સાથે આ શખ્સે અમાનવીય કૃત્ય આચર્યું હતું. આરોપી છેલ્લા ઘણા સમયથી આ બંને દીકરીઓ પર દુષ્કર્મ ગુજારી રહ્યો હતો.
કેવી રીતે થયો ખુલાસો?
આ ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે આ બંને સગીર દીકરીઓને પેટમાં દુખાવો થતા તેમને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તબીબી તપાસ દરમિયાન માલૂમ પડ્યું હતું કે આ બંને સગીરાઓ ગર્ભવતી છે. આ આઘાતજનક વિગત સામે આવતા જ પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસ કાર્યવાહી:
ઘટનાની ગંભીરતાને જોતા ચિખલી પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ મામલે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે અને મુખ્ય આરોપી અનિલ અમૃતભાઈ રાઠોડની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ આરોપી વિરુદ્ધ કડક પુરાવા એકત્ર કરી રહી છે જેથી તેને દાખલારૂપ સજા અપાવી શકાય.
