News

ડાંગમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિકાસ સંકલ્પ સભા: “આવતી ચૂંટણીમાં કમળનું ફૂલ ખીલવવાનું”, કોંગ્રેસના કાર્યકર્તાઓએ પણ ધારણ કર્યો કેસરીયો ખેસ

ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી એ વિકાસ સંકલ્પ સભાને સંબોધતા આવનારી જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીને ધ્યાનમાં રાખીને કાર્યકર્તાઓ અને જનતાને સંદેશ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ કહ્યું કે આવનારી ચૂંટણીમાં તમામ સીટ પર “કમળનું ફૂલ” ખીલવવાનું લક્ષ્ય રાખવું જોઈએ.

સભામાં તેમણે ભાવનાત્મક અપીલ કરતાં જણાવ્યું કે “શબરી માતાના સોગંધ લઈને હું તમને વચન આપું છું કે આવનારી હોળીનો તહેવાર હું ડાંગમાં જ ઉજવીશ, પરંતુ તમે સૌએ કમળના ફૂલને જંગી બહુમતીથી જીતાડવાનું છે.”


તેમણે પોતાના સંબોધનમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા ડાંગ જિલ્લામાં કરવામાં આવેલા વિકાસ કાર્યો અને યોજનાઓનો વિશેષ ઉલ્લેખ કર્યો. જેમાં જંગલ જમીનના હક્ક, ખેડૂતોને સીધી આર્થિક સહાય, અંદાજે 150 કરોડ રૂપિયાના રસ્તા વિકાસ કામો, ઉકાઈ ડેમથી પાઇપલાઇન મારફતે પાણી પહોંચાડવાની યોજના તથા પાણીના સ્ત્રોત વધારવા ડેમ નિર્માણ જેવી અનેક યોજનાઓનો સમાવેશ થાય છે. સાથે સાથે મહિલા સશક્તિકરણ માટેના પ્રયત્નો પણ તેમણે રજુ કર્યા.

આ ઉપરાંત તેમણે ડાંગ જિલ્લાના પ્રશ્નોને વિધાનસભા સુધી પહોંચાડવા માટે ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ તેમજ પાર્ટીના જૂના અને પાયાના કાર્યકર્તાઓ, સ્થાનિક નેતાઓ, મંત્રીઓ અને તમામ નાના-મોટા કાર્યકર્તાઓના યોગદાનને બિરદાવ્યું. ખાસ કરીને શ્રી ગણપત ભાઈ વસાવા સહિતના આગેવાનોના કાર્યને વખાણ્યા.
સભા દરમિયાન રાજકીય માહોલ પણ ગરમાયો હતો, જ્યારે કોંગ્રેસના ઘણા કાર્યકર્તાઓએ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાયા હતા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ નવા જોડાયેલા કાર્યકર્તાઓને કેસરીયો ખેસ પહેરાવી તેમનું સ્વાગત કર્યું હતું.

અંતમાં હર્ષ સંઘવીએ ડાંગ જેવા આદિવાસી વિસ્તારમાં સતત વિકાસ થતો રહે અને હંમેશા “કમળનું ફૂલ” ખીલતું રહે તેવી ભાવના વ્યક્ત કરી, સૌને બે હાથ જોડી અભિવાદન કર્યું હતું.

પ્રદીપ રાઉત ડાંગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *