સોનગઢ તાલુકા પંચાયત કચેરીમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. જીજે દેશી ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેક દરમિયાન કચેરીમાં મુકવામાં આવેલા કેટલાક ફાયર એક્સટિંગ્વિશર (ફાયર સેફ્ટીના બાટલા)ની એક્સપાયરી તારીખ પૂર્ણ થઈ ગયેલી હોવાનું સામે આવ્યું છે. આ બાબતે સ્થાનિકોમાં ચર્ચા શરૂ થઈ છે કે લોકોની સુરક્ષા સાથે આવી બેદરકારી કોણ અને શા માટે કરી રહ્યું છે?
સોનગઢ તાલુકા પંચાયત ખાતે દરરોજ તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં અરજદારો, ખેડૂતો, મહિલાઓ, વડીલો અને સામાન્ય નાગરિકો વિવિધ કામકાજ માટે આવતા હોય છે. આવી સ્થિતિમાં આગ જેવી કોઈ અચાનક ઘટના સર્જાય તો ફાયર સેફ્ટીના સાધનો કાર્યક્ષમ હોવા અત્યંત જરૂરી છે.
પરંતુ એક્સપાયર થયેલા ફાયર એક્સટિંગ્વિશર કટોકટીના સમયે કેટલા અસરકારક સાબિત થશે તે મોટો પ્રશ્ન છે.
ઉલ્લેખનીય છે કે હાલમાં જ સમાચાર સંકલન દરમિયાન મધ્ય ગુજરાતના બોડેલી ખાતે તાલુકા સેવા સદનમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ આગના કારણે મામલતદાર કચેરીને ભારે નુકસાન થયું હતું. આ ઘટના બાદ સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીની તૈયારી અંગે વધુ સાવચેતી રાખવાની જરૂરિયાત સામે આવી છે.

બીજી તરફ થોડાક દિવસો અગાઉ સોનગઢ શહેરમાં કૈલાશ લોજ નજીક ફાયર વિભાગ દ્વારા મોક ડ્રિલ યોજાઈ હતી, જેમાં આગ જેવી આપત્તિ સમયે સુરક્ષા અને બચાવ અંગે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પરંતુ શહેરમાં જ આવેલી તાલુકા પંચાયત કચેરીમાં એક્સપાયર થયેલા ફાયર એક્સટિંગ્વિશર જોવા મળતા “દીવા તળે અંધારું” જેવી સ્થિતિ સર્જાઈ હોવાનું લોકો કહી રહ્યા છે.
સ્થાનિક નાગરિકોમાં માંગ ઉઠી રહી છે કે તાલુકા પંચાયત કચેરીમાં ફાયર સેફ્ટીના તમામ સાધનોની તાત્કાલિક તપાસ કરવામાં આવે, એક્સપાયર થયેલા ફાયર એક્સટિંગ્વિશરને બદલવામાં આવે અને લોકોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનો સમાધાન ન કરવામાં આવે.
હવે જોવાનું એ રહેશે કે સંબંધિત અધિકારીઓ આ ગંભીર મુદ્દે શું પગલાં ભરે છે અને કચેરીમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થા ક્યારે સંપૂર્ણપણે સુદ્રઢ બનાવવામાં આવશે.
જીજે દેશી ન્યૂઝ | સોનગઢ, તાપી
