News

નવસારી જિલ્લામાં પૂરગ્રસ્ત પરિવારોને વિવિધ રાહત સહાયના વિતરણની કામગીરી સતત કાર્યરત

૨૮ જુલાઈ ૨૦૨૬ના સાંજે ૪:૦૦ વાગ્યા સુધીમાં ૩૮,૪૭૯ અસરગ્રસ્ત પરિવારોને રૂ. ૬.૭૨ કરોડથી વધુની કેશડોલ સહાય ચૂકવાઈ

તાજેતરમાં નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત પરિવારોને રાજ્ય સરકારના ધોરણો મુજબ કેશડોલ, ઘરવખરી, મકાન તથા પશુમૃત્યુ સહાય ઝડપથી મળી રહે તે માટે જિલ્લા કલેક્ટર શ્રી મનિષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સર્વે, વેરિફિકેશન અને સહાયની ચૂકવણીની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે.
તા. ૨૮ જુલાઈ, ૨૦૨૬ના રોજ સાંજે ૪:૦૦ વાગ્યા સુધીમાં જિલ્લામાં કુલ ૩૮,૪૭૯ અસરગ્રસ્ત પરિવારોને રૂ. ૬.૭૨ કરોડથી વધુની કેશડોલ સહાય ચૂકવવામાં આવી છે.


આ ઉપરાંત ઘરવખરી સહાય હેઠળ રૂ. ૨.૪૩ કરોડથી વધુની સહાય લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવી છે. તેમજ મકાન સહાય અંતર્ગત રૂ. ૧૫.૨૪ લાખ, કાચા મકાન સહાય હેઠળ રૂ. ૭.૭૭ લાખ, આંશિક પાકા મકાન સહાય હેઠળ રૂ. ૩ લાખથી વધુ, આંશિક કાચા મકાન સહાય હેઠળ રૂ. ૩.૨૪ લાખથી વધુ તથા પશુમૃત્યુ સહાય હેઠળ ૩૧ પશુઓ માટે રૂ. ૯.૧૭ લાખની સહાય ચૂકવવામાં આવી છે.

  નવસારી જિલ્લાના અસરગ્રસ્ત તાલુકાઓમાં જિલ્લા વહીવટીતંત્રની ૧૨૧ ટીમો દ્વારા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં ઘરવખરી, મકાન સહાય અને પશુમૃત્યુ સહાય માટે સતત સર્વે કામગીરી કરવામાં આવી રહી છે. બાકી રહેલા તમામ પાત્ર અસરગ્રસ્ત પરિવારોને પણ ઝડપથી સહાયનો લાભ મળી રહે તે માટે સર્વે, વેરિફિકેશન અને ચૂકવણીની કામગીરી સતત ચાલુ રાખવામાં આવી હોવાનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે.

0000

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *