News

વઘઈમાં ગેસ સિલિન્ડરની ગંભીર ખોટ: લોકો મુશ્કેલીમાં, વ્યવસ્થામાં ખામી સામે રોષ

ડાંગ જિલ્લાના વઘઈ વિસ્તારમાં ગેસ સિલિન્ડરની ગંભીર ખોટ સામે આવી રહી છે, જેના કારણે સામાન્ય જનતા ભારે પરેશાન થઈ રહી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે રોજિંદા જીવનમાં આ સમસ્યા મોટી અડચણ બની ગઈ છે.

માહિતી મુજબ, આહવા તરફથી ભરેલા ગેસ સિલિન્ડર લઈને આવતો આયસર ટેમ્પો વઘઈ ખાતે એક સ્થળે ઉભો રાખવામાં આવે છે. અહીં ગેસ બાટલાં ઉતારવાની પ્રક્રિયા ગેરવ્યવસ્થિત રીતે ચાલી રહી હોવાના આક્ષેપો થયા છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ગેસ ઉતારવા માટે આવેલા ડ્રાઈવર સાથેના હેલ્પરો ઘણીવાર ગાયબ થઈ જાય છે. પરિણામે, ગેસ લેવા આવેલા ગ્રાહકોને લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. કલાકો સુધી ઊભા રહીને પણ લોકોને સમયસર સેવા મળતી નથી, જેના કારણે ભારે અસંતોષ ફેલાયો છે.

આ ઉપરાંત, OTP સિસ્ટમ પણ યોગ્ય રીતે કાર્ય કરતી નથી. ઘણા ગ્રાહકોને OTP ન મળતાં ગેસ સિલિન્ડર મેળવવામાં વિલંબ થાય છે અને વારંવાર ધક્કા ખાવા પડે છે.

આ સમગ્ર પરિસ્થિતિને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ માંગ કરી છે કે સંબંધિત ગેસ એજન્સી અને પુરવઠા વિભાગ તાત્કાલિક હસ્તક્ષેપ કરી વ્યવસ્થા સુધારે, જેથી ગરીબ અને ગ્રામ્ય વિસ્તારોના લોકોને સમયસર ગેસ સિલિન્ડર મળી શકે.

વિકાસના દાવાઓ વચ્ચે મૂળભૂત સુવિધાઓ માટે લોકો હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છે — હવે જોવાનું રહ્યું કે જવાબદાર તંત્ર ક્યારે જાગે છે.

પ્રદીપ રાઉત ડાંગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *