VANSDA-ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રા તેના ત્રીજા તબક્કામાં વાંસદા તાલુકામાં પ્રવેશી હતી. તાજ ઝરી, કંબોયા, વાંદરવેલા, ખૂડવેલ, ખડકાળા અને હનુમાનબારી ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં જન આક્રોશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાત્રીના સમય હોવા છતાં મોટી સંખ્યામાં લોકો રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા અને યાત્રાને ઉત્સાહભેર આવકારી હતી.

જન આક્રોશ યાત્રા રાત્રે લગભગ 10:00 કલાકે વાંસદા ખાતે પહોંચી હતી. યાત્રાની આવક પહેલાંથી જ લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ યાત્રાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
વાંસદા ખાતે યોજાયેલી જાહેર સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે એસઆઈઆરનો મુદ્દો, મોંઘવારી, વ્યાપક ભ્રષ્ટાચાર, શિક્ષણ વ્યવસ્થાની દયનીય હાલત તેમજ યુવાનોની વધતી બેરોજગારી જેવા મુદ્દાઓ ઉઠાવી ભાજપ સરકાર સામે ખુલ્લા આક્ષેપો કર્યા હતા.
સભામાં “પરિવર્તન”ના નાદ સાથે કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ ભાજપને ઘેર્યું હતું. વાંસદા ધારાસભ્ય અનંત પટેલ, ડાંગના માજી ધારાસભ્ય મંગળ ગાવીત, કરસન બાપુ, અમિત ચાવડા, શ્રીનિવાસન, તુષાર ચૌધરી અને શૈલેષ પટેલ સહિતના નેતાઓએ ભાજપ સરકારની નીતિઓને જનવિરોધી ગણાવી આકરા પ્રહારો કર્યા હતા.

જન આક્રોશ યાત્રા દરમિયાન જોવા મળેલી ભીડ અને લોકોનો ઉત્સાહ કોંગ્રેસ માટે શક્તિ પ્રદર્શન રૂપે જોવામાં આવી રહ્યો છે, જ્યારે ભાજપ સામે વધતા અસંતોષનો પણ આ યાત્રા દ્વારા સ્પષ્ટ સંકેત મળ્યો હોવાનું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યા છે.
