ચાર હોદ્દેદારોએ રાજીનામું આપતાં સ્થાનિક ચૂંટણી પૂર્વે પક્ષ માટે મોટો ઝટકો
નવસારી : નવસારી જિલ્લા ભાજપના નવા સંગઠન માળખાની જાહેરાત બાદ જલાલપોર વિધાનસભા મતવિસ્તારમાં ભારે અસંતોષ ફાટી નીકળ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ અને ધારાસભ્ય આર.સી. પટેલ વચ્ચે ચાલી રહેલી આંતરિક ખેંચતાણ હવે ખુલ્લેઆમ સામે આવી છે. જલાલપોરને વારંવાર અવગણવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે ચાર નવનિયુક્ત હોદ્દેદારોએ પોતાના પદ પરથી તાત્કાલિક અસરથી રાજીનામું આપતા પક્ષમાં ઉથલપાથલ સર્જાઈ છે.

જિલ્લા ભાજપ પ્રમુખના એકહથ્થા અને મનમાની નિર્ણયો સામે જલાલપોરના કાર્યકરોમાં ભારે રોષ વ્યાપ્યો છે. ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થયેલા અશોક ભગુભાઈ પટેલને મહામંત્રી પદની અપેક્ષા હતી, પરંતુ પદવહેંચણીમાં જલાલપોરને ફરી બાજુએ ધકેલી દેવાતા અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો હતો.
રાજીનામું આપનારાઓમાં જિલ્લા ઉપપ્રમુખ અશોક પટેલ, બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિજય પટેલ, કિસાન મોરચાના મહામંત્રી પ્રકાશ પટેલ અને જિલ્લા સંગઠન મંત્રી ચેતના પટેલનો સમાવેશ થાય છે. ચારેય હોદ્દેદારોએ જિલ્લા પ્રમુખ સાથે ટેલિફોનિક ચર્ચા કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ ‘કમલમ’ કાર્યાલય ખાતે પ્રમુખની ગેરહાજરીમાં તેમના ટેબલ પર રાજીનામા મૂકી આવ્યા હતા.
સ્થાનિક કાર્યકરોમાં ચર્ચા છે કે વર્ષોથી સંગઠન માટે મહેનત કરનાર કાર્યકરોને બાજુએ રાખીને મનપસંદ વ્યક્તિઓને હોદ્દા અપાયા છે. જિલ્લા ભાજપ પ્રમુખ અને જલાલપોરના ધારાસભ્ય વચ્ચે લાંબા સમયથી ચાલતી આંતરિક ખટપટ હવે જાહેર અસંતોષમાં ફેરવાતા પક્ષ માટે આવનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલાં મોટો પડકાર ઊભો થયો છે.
રાજીનામું આપનાર હોદ્દેદારોએ સ્પષ્ટ કહ્યું કે, “જલાલપોરે વર્ષો સુધી મહેનત કરીને કોંગ્રેસના એકહથ્થા શાસનને તોડી ભાજપનો ગઢ બનાવ્યો છે. છતાં દર વર્ષે અવગણના જલાલપોરના ભાગે આવે છે. અમે કામ માટે પ્રતિબદ્ધ છીએ, પરંતુ વારંવારની અવગણના સામે મૌન રહી શકાતું નથી.”
જિલ્લા ભાજપ પ્રમુખે મૌખિક રીતે રાજીનામું સ્વીકારવાનો ઇન્કાર કર્યો હોવા છતાં, હોદ્દેદારોના આગ્રહ બાદ રાજીનામા ટેબલ પર મૂકી દેવાતા તેને માન્ય ગણવામાં આવ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
નવસારી જિલ્લામાં લાંબા સમયથી દબાયેલા આંતરિક અસંતોષનો વિસ્ફોટ થતાં પ્રદેશ નેતૃત્વ માટે આ પરિસ્થિતિ ગંભીર ચિંતા જનક બની છે.
