તાપી જિલ્લાના કુકરમુન્ડા તાલુકામાંથી પસાર થતી તાપી નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન કરનારા રેત માફિયાઓ હવે સ્થાનિક ખેડૂતો માટે ‘મોતના સોદાગર’ સાબિત થઈ રહ્યા છે. ગત ૧૫મી મેના રોજ કુકરમુન્ડાના કોન્ડ્રોજ અને ગોરસા ગામની સીમમાં રેતી ભરેલી એક બેફામ ટ્રકે અડફેટે લેતા એક નિર્દોષ વિસ્થાપિત ખેડૂતનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ભૂસ્તર વિભાગના ડરથી ભાગતી ટ્રકે ખેડૂતને કચડ્યો
મળતી માહિતી અનુસાર, પાટી ગામે રહેતા અને જૂના ગામની સીમમાં આવેલી પિતા-દાદાની જમીનમાં ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા વિસ્થાપિત ખેડૂત રામકૃષ્ણ પ્રતાપભાઈ વળવી પોતાના ખેતરે જઈ રહ્યા હતા. તે દરમિયાન સામેથી આવતી માતેલા સાંઢ જેવી રેતી ભરેલી ટ્રકે તેમને અડફેટે લઈ કચડી નાખ્યા હતા, જેથી તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, જે દિવસે આ ઘટના બની તે દિવસે જિલ્લા ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગની ટીમ તપાસ માટે આવવાની હોવાની અફવા ફેલાઈ હતી. આથી રોયલ્ટી ચોરી કરીને ભાગતા રેત માફિયાઓ અને ટ્રક ચાલકોમાં ફફડાટ મચી ગયો હતો. વાહનો આડેધડ ભગાડવાની આ નાસભાગમાં નિર્દોષ ખેડૂતે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.
રાજકીય દબાણ લાવી ઘટનાને દબાવવાનો ખેલ?
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, જૂના ગોરસા અને જૂના કોન્ડ્રોજ ગામની સીમમાં સ્થાનિક માફિયાઓ બહારથી આવેલા પરપ્રાંતીય માફિયાઓ સાથે મળીને વગર પાસ-પરમિશને રાત-દિવસ કરોડો રૂપિયાની રેતી ચોરી કરી ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાં વેચી રહ્યા છે.
આ ગેરકાયદેસર કાળા કારોબાર પર પડદો પાડવા માટે રેત માફિયાઓ અને સ્થાનિક વહીવટી તંત્રના કેટલાક જવાબદારો આ ગંભીર ઘટનાને માત્ર એક ‘સામાન્ય અકસ્માત’માં ખપાવી દેવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કુકરમુન્ડા પોલીસ પર રાજકીય વગ વાપરીને દબાણ લાવવામાં આવી રહ્યું હોવાની પણ ચર્ચા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આજ દિન સુધી આ વિસ્તારમાં કોઈ નક્કર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું નથી.
નવનીત કલેક્ટર અને ભૂસ્તર અધિકારી સમક્ષ ન્યાયની માંગ
આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં વ્યાપક ચર્ચા જગાવી છે કે, શું આવા નિર્દોષ ખેડૂતના પરિવારને ખરેખર ન્યાય મળશે ખરો? હાલમાં જ નિયુક્ત થયેલા જિલ્લા કલેક્ટર શ્રી દેવકુમાર ચૌધરી અને જિલ્લા ભૂસ્તર વિભાગના વડા શેખ સાહેબ આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરે, ગેરકાયદેસર ખનન બંધ કરાવે અને જવાબદાર માફિયાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોકમાંગ પ્રબળ બની છે.
