News

માંડવીમાં NH-56 બાયપાસ મુદ્દે ખેડૂતોનો ઉગ્ર વિરોધ“જાન દેંગે, જમીન નહીં”ના નારા સાથે ચક્કાજામ, આગેવાનો અટકાયત

સુરત જિલ્લામાંથી પસાર થતા વાપી-શામળાજી નેશનલ હાઇવે-56 બાયપાસ પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. માંડવી તાલુકાના સથવાવ ગામે આજે નેશનલ હાઇવે અસરગ્રસ્ત સંઘર્ષ સમિતિના બેનર હેઠળ ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. મોટી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ અને સ્થાનિક ગ્રામજનો વિરોધમાં જોડાયા હતા.

ખેડૂતોનો આક્ષેપ છે કે હાઇવે પ્રોજેક્ટના કારણે સથવાવ સહિત આસપાસના અનેક ગામોની ખેતીની જમીન સંપાદિત થવાની છે, જેના કારણે અનેક પરિવારો જમીન અને રહેઠાણ વિહોણા બનશે. “જાન દેંગે, જમીન નહીં”ના ગગનભેદી નારા સાથે ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

વિરોધ પ્રદર્શનમાં પૂર્વ ધારાસભ્ય આનંદ ચૌધરી અને આદિવાસી આગેવાન અખિલ ચૌધરી સહિતના આગેવાનો ખેડૂતોના સમર્થનમાં જોડાયા હતા. દરમિયાન ખેડૂતો સાંસદ પ્રભુ વસાવાને રજૂઆત કરવા નીકળ્યા હતા, પરંતુ સાંસદના આશ્રમ નજીક પોલીસે બેરીકેડ મૂકી ટોળાને અટકાવ્યું હતું. સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા ટોળાને રોકવામાં આવતા ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દૃશ્યો સર્જાયા હતા. વિરોધ વધુ ઉગ્ર બનતા પોલીસે આનંદ ચૌધરી, અખિલ ચૌધરી સહિત અંદાજે 20 થી 30 લોકોની અટકાયત કરી હતી. અટકાયતના વિરોધમાં ગુસ્સે ભરાયેલા ખેડૂતો અને સમર્થકોએ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો. જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને વાહનોની લાંબી કતારો લાગી હતી.

ખેડૂતોનું કહેવું છે કે તેમની પાસે બીજી કોઈ વૈકલ્પિક જમીન કે રહેઠાણની વ્યવસ્થા નથી, છતાં તંત્ર તેમની રજૂઆત સાંભળવા તૈયાર નથી. જમીન અને આવાસ ગુમાવવાની ભીતિને કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

હાલ પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધર્યા છે. જોકે ખેડૂતોનો વિરોધ હજુ યથાવત રહેતા વાપી-શામળાજી હાઇવે જમીન સંપાદન મુદ્દો હવે વધુ રાજકીય રંગ પકડી રહ્યો છે. જિલ્લામાં અન્ય વિસ્તારોમાં પણ આંદોલન વધુ વેગ પકડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

અક્ષય ચૌધરી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *