ડાંગના વઘઈમાં રાત્રિના સમયે કરિયાણાની દુકાનનું તાળું તોડી ચોરી કરવાના ગુનાનો પોલીસે ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને અંકલેશ્વરથી ઝડપી પાડ્યા છે. પોલીસે ટેકનિકલ એનાલિસિસ, CCTV અને હ્યુમન સોર્સની મદદથી આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી છે.વઘઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 16 સપ્ટેમ્બર 2026ની રાત્રે કરિયાણાની દુકાનના ધાબા ઉપરના દરવાજાનું તાળું તોડી અજાણ્યા ચોરો દુકાનમાં પ્રવેશ્યા હતા.
ચોરોએ દુકાનમાંથી વિવિધ બ્રાન્ડની સિગારેટના પેકેટ, જેની કિંમત આશરે ₹1.27 લાખ, તેમજ ગલ્લામાંથી ₹1,700 રોકડ મળી કુલ ₹1,29,375ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ઘટના અંગે વઘઈ પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયા બાદ પોલીસ દ્વારા CCTV ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન આરોપીઓ અંકલેશ્વર તરફના હોવાનું સામે આવતા પોલીસ ટીમને અંકલેશ્વર મોકલવામાં આવી હતી. જ્યાંથી પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી ₹65 હજાર રોકડ, ₹13,700ની સિગારેટ અને ત્રણ સ્માર્ટ મોબાઇલ ફોન મળી કુલ ₹1.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, ઝડપાયેલા આરોપીઓ પૈકી મોહમ્મદ આદિલખાન પઠાણ અગાઉ ફરિયાદીની દુકાનમાં એક અઠવાડિયા જેટલો સમય નોકરી કરી ચૂક્યો હતો. જેના કારણે તે દુકાન અને આસપાસના વિસ્તારથી પરિચિત હતો. ત્યારબાદ તેણે અન્ય સાથીદારો સાથે મળીને અંકલેશ્વરથી બસમાં વઘઈ આવી રાત્રિના સમયે દુકાનની છત ઉપરનો દરવાજો તોડી ચોરી કરી હોવાનો પોલીસનો દાવો છે.
