
વલસાડ SOGએ ડુંગરા પોલીસ મથક વિસ્તારના હરિયા પાર્કમાંથી આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા ગેરકાયદેસર કોલ સેન્ટરનો પર્દાફાશ કરી 11 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ કેનેડિયન નાગરિકોને સરકારી એજન્સીના અધિકારી તરીકે ખોટી ઓળખ આપી લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી આચરતા હોવાનું બહાર આવ્યું છે.
મળતી માહિતી મુજબ વલસાડ SOGને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ PSI વાય.પી. હડિયા, PSI એસ.આર. સિસોદિયા તથા ટીમે હરિયા પાર્ક વિસ્તારમાં આવેલી બંગલા નં. 43 પર મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. જ્યાંથી 9 પુરુષ અને 2 મહિલાઓ મળી કુલ 11 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ X-Lite, APhone તથા VoIP ટેક્નોલોજીનો ઉપયોગ કરી કેનેડિયન નાગરિકોને કોલ કરતા હતા. પોતાને Canada Post, CSIS અને RCMPના અધિકારી તરીકે ઓળખાવી ભોગ બનનારને તેમના નામે ડ્રગ્સ અથવા ગેરકાયદે ડોલર મળ્યાની વાત કરી ડરાવતા હતા. ત્યારબાદ કેસમાંથી મુક્તિ અપાવવાના બહાને Apple સહિત વિવિધ કંપનીઓના ગિફ્ટ કાર્ડના કોડ મેળવી છેતરપિંડી આચરતા હતા.
પોલીસે સ્થળ પરથી 7 લેપટોપ, 16 મોબાઇલ ફોન, 5 વાઇ-ફાઇ રાઉટર, 7 હેડફોન અને અન્ય ડિજિટલ સાધનો મળી કુલ રૂ. 5.95 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ મામલે ડુંગરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023 તથા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ઝડપાયેલા તમામ આરોપીઓને કોર્ટમાં રજુ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. જ્યારે મુખ્ય સૂત્રધાર રાજેશ ઉર્ફે રાજ ઠોલાર હાલ ફરાર હોવાનું સામે આવ્યું છે અને તેને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.
