News

ધરમપુરના કેળવણી ગામની સ્મશાનભૂમિના પ્રશ્ને આદિવાસી સમાજના આગેવાનોએ સ્થળ મુલાકાત લીધી.

તંત્રએ ગામે ગામ જઈ આવા અનેક પ્રશ્નો આઝાદી પછી પણ હજુપણ વણઉકેલ્યા રહ્યા છે તેનું ફરજીયાત યોગ્ય નિરાકરણ આવવું જ જોઈએ તેમજ પ્રશાસન હવે આદિવાસી વિસ્તારો તેમાં પણ ધરમપુર,કપરાડાના ડુંગર વિસ્તારો સાથે ઓરમાયું વર્તન બંધ કરે-ડો.નિરવ ભુલાભાઇ પટેલ.

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા કેળવણી ગામના પાડવી ફળિયાની સ્મશાનભૂમિનો વિડીયો વાયરલ થતા આદિવાસી સમાજના ડો.નિરવ ભુલાભાઇ પટેલ,ધરમપુરના માજી ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ,કમલેશ પટેલ,મુકેશ પટેલ,પથીક પટેલ સહિતના આગેવાનોએ સ્થળ મુલાકાત લઇ સરપંચ નરેશભાઈ,માજી સરપંચ સુરેશભાઈ,જયેશભાઇ પવાર,દિનેશ પાડવી સહિતના ગામના આગેવાનો તેમજ સ્થાનિક ગ્રામજનો સાથે ચર્ચાઓ કરી હતી.લાંબી ચર્ચાઓના અંતે નીકળેલ નિષ્કર્ષ અનુસાર ખાતા નં. 272મા પ્રાથમિક અને મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વલસાડ જિલ્લા કલેક્ટરને એક પત્ર લખીને તાકીદની રજૂઆત કરી છે.ડૉ. નિરવ પટેલે જણાવ્યું છે કે, ૨૧ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ કેળવણી ગામના સરપંચ શ્રી નરેશભાઈ પવારની આગેવાની હેઠળ યોજાયેલી ગ્રામસભામાં આ સ્મશાનભૂમિમાં શેડ, પાકો રસ્તો અને અન્ય સુવિધાઓ ઊભી કરવા અંગેનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.પરંતુ ચર્ચાઓ માટે યોગ્ય માહોલના અભાવે યોગ્ય કાર્યવાહી નહીં થતા વહીવટી તંત્રના આવા ઓરમાયા વર્તનને કારણે સ્થાનિક આદિવાસી પરિવારો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.આ વિસ્તાર આદિવાસી

બહુલ અને આર્થિક રીતે નબળો હોવાથી સ્થાનિક લોકોને મૃતકના સન્માનપૂર્ણ અંતિમ સંસ્કાર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે.વરસાદ અને કાદવ-કીચડના કારણે સ્મશાનભૂમિ સુધી પહોંચવાનો કોઈ પાકો રસ્તો ન હોવાથી મૃતદેહને લઈ જવામાં ભારે આફત ઊભી થાય છે.સ્મશાનમાં કાયમી વીજ કનેક્શન કે લાઈટિંગની વ્યવસ્થા ન હોવાથી, રાત્રિના સમયે અંતિમવિધિ કરતી વખતે સર્પદંશ કે અન્ય અકસ્માતનો મોટો ભય રહે છે.આથી ડો.નિરવ પટેલ દ્વારા પત્રમાં કલેક્ટર સમક્ષ ૨૧/૦૧/૨૦૨૩ના ઠરાવ મુજબ થયેલી કામગીરીની લેખિત માહિતી ગ્રામજનોને આપવામાં આવે તેમજ બારેમાસ ઉપયોગ કરી શકાય તેવો પાકો પહોંચમાર્ગ અને વરસાદ-રોધક મજબૂત શેડ બનાવવામાં આવે તેમજ સ્મશાનભૂમિ અને તેના પ્રવેશમાર્ગ પર પૂરતી લાઈટિંગ તથા કાયમી વીજ મીટર સાથે સુરક્ષિત વાયરિંગ કરવામાં આવે તેમજ પીવાના પાણી, સફાઈ, કચરા વ્યવસ્થાપન અને ગ્રામજનો માટે બેસવાના પ્લેટફોર્મની સગવડ ઊભી થાય.તેમજ જો આ સ્મશાનભૂમિ માટે અગાઉ કોઈ સરકારી યોજના હેઠળ ગ્રાન્ટ મંજૂર થઈ હોય,તો તેનો ખર્ચ અને વર્તમાન સ્થિતિની વિગતો જાહેર કરવામાં આવે.વધુમાં ડો.નિરવ પટેલે ઉમેર્યું હતું કે, આ કોઈ વ્યક્તિગત લાભની માંગણી નથી પરંતુ માનવ ગૌરવ અને સામાજિક ન્યાય સાથે જોડાયેલો ગંભીર પ્રશ્ન છે.આથી તંત્રએ ગામે ગામ જઈ આવા અનેક પ્રશ્નો આઝાદી પછી પણ હજુપણ વણઉકેલ્યા રહ્યા છે તેનું ફરજીયાત યોગ્ય નિરાકરણ આવવું જ જોઈએ તેમજ પ્રશાસન હવે આદિવાસી વિસ્તારો તેમાં પણ ધરમપુર,કપરાડાના ડુંગર વિસ્તારો સાથે ઓરમાયું વર્તન બંધ કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *