News

આદિવાસીઓની મંજૂરી વિના જમીન પર કામ શરૂ કરાતા વિરોધ, ગામલોકોએ જેટકોનું કામ બંધ કરાવ્યું

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બાલઅમરાઈ ગામે જેટકો કંપની દ્વારા આદિવાસી ખેડૂતની લેખિત સંમતિ અને મંજૂરી વિના જમીન પર પાયો ખોદવાનું કામ શરૂ કરવામાં આવતા સ્થાનિક ગ્રામજનો અને આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ બાલઅમરાઈ ગામના ખેડૂત બેન ગામીતના ખેતરમાં જેટકો કંપની દ્વારા જેસીબી મશીન મૂકી પાયા ખોદવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખેડૂતના જણાવ્યા અનુસાર તેમની કોઈ લેખિત સંમતિ લેવામાં આવી ન હતી અને જમીન સંપાદન અંગે પણ યોગ્ય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી ન હતી. નાનકડી ખેતી પર નિર્ભર ખેડૂત માટે આ જમીન જીવનનિર્વાહનું મુખ્ય સાધન હોવાથી તેમણે તાત્કાલિક ધોરણે કામગીરીનો વિરોધ નોંધાવી કામ બંધ કરાવ્યું હતું.


ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ગામલોકો સ્થળ પર એકત્ર થયા હતા અને જેટકો કંપનીના જુનિયર એન્જિનિયર વિરલ પટેલને સ્થળ પર બોલાવ્યા હતા. ગ્રામજનોના ઉગ્ર વિરોધને પગલે હાલ પૂરતું કામ બંધ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.
ગામલોકોની માંગણીને ધ્યાનમાં રાખી જેટકો કંપની તરફથી જુનિયર એન્જિનિયર વિરલ પટેલે તાપી જિલ્લા કલેક્ટર સમક્ષ સમગ્ર મુદ્દે ચર્ચા-વિચારણા કરી ગામલોકોને વિશ્વાસમાં લીધા બાદ જ આગળની કામગીરી શરૂ કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.
આ મામલે આદિવાસી પંચ તાપીના આગેવાનો પણ મેદાનમાં ઉતર્યા હતા. આગેવાનોનું કહેવું છે કે જો આદિવાસી ખેડૂતોની જમીન પર તેમની મરજી વિરુદ્ધ ગેરકાયદેસર રીતે કબજો કરવાની કોશિશ કરવામાં આવશે અને પીડિતોને ન્યાય નહીં મળે તો આદિવાસી સમાજ દ્વારા જનઆંદોલન શરૂ કરી ઉગ્ર લડત આપવામાં આવશે.
આ ઘટનાએ આદિવાસી વિસ્તારોમાં જમીન અધિકાર અને વિકાસ કાર્યો માટે સ્થાનિકોની સંમતિ જેવા મુદ્દાઓને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે. હાલમાં સમગ્ર મામલે જિલ્લા વહીવટીતંત્ર અને જેટકો કંપનીના આગામી પગલાં પર સૌની નજર મંડાઈ છે.

સાઉથ ગુજરાત બ્યુરો ચીફ નરેશમાળી (અભય જાદુગર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *