News

નવસારીના ઇકોપોઇન્ટ સોલધરાની મુલાકાતે અગ્રણી ઉદ્યોગપતિ શ્રી સવજીભાઈ ધોળકિયા

અગ્રણી ઉદ્યોગપતિ તથા ધોળકિયા ફાઉન્ડેશનના સ્થાપક શ્રી સવજીભાઈ ધોળકિયાએ નવસારી જિલ્લાના સોલધરા ખાતે આવેલા ઇકોપોઇન્ટની મુલાકાત લઈ પર્યાવરણ સંરક્ષણ, જળસંચય અને જીવસૃષ્ટિના સંવર્ધન માટે કરવામાં આવતા વિવિધ પ્રયોગો અને પ્રયાસોની માહિતી મેળવી હતી. આ પ્રસંગે ઇકોપોઇન્ટના સંચાલક દંપતિ અશોકભાઈ અને અસ્મિતાબેનએ તેમને મધમાખીની વિવિધ જાતો અને વિવિધ વિસ્તારોમાં તેના ઉપયોગ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.


મુલાકાત દરમિયાન પરાગનયનકર્તા જીવસૃષ્ટિમાં સતત થઈ રહેલા ઘટાડા અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. સંચાલકોએ જણાવ્યું હતું કે જે રીતે દરેક ખેડૂત પાસે કોદાળી અને પાવડો જેવા ખેતીના સાધનો હોય છે, તેવી જ રીતે પરાગનયન માટે ઉત્તમ ગણાતી ટ્રાયગોના (સ્ટિંગલેસ બી) મધમાખીની એક પેટી પણ દરેક ખેડૂત પાસે હોવી જોઈએ. આ મધમાખી પાકોના ઉત્પાદન વધારવામાં અને પર્યાવરણનું સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ અંગેની જાણકારી મેળવી શ્રી સવજીભાઈ ધોળકિયાએ રસ વ્યક્ત કર્યો હતો.

આ ઉપરાંત ખેડૂતો પાસે ઔષધીય બગીચા, સ્પાઇસ ગાર્ડન તથા વિવિધ પ્રકારના ફળોના છોડ હોવા જોઈએ અને જ્યાં પાણી હોય ત્યાં માછલીઓનું સંવર્ધન થવાથી જળાશયોની સ્વચ્છતા જળવાઈ રહે છે, તેવી માહિતી પણ ઇકોપોઇન્ટના સંચાલકો દ્વારા આપવામાં આવી હતી.
શ્રી સવજીભાઈ ધોળકિયાએ જણાવ્યું હતું કે પર્યાવરણ અને પશુ-પક્ષીઓના સંરક્ષણ માટે માત્ર મોટા પ્રકલ્પો પૂરતા નથી, પરંતુ નાના-નાના પ્રયાસો પણ એટલાં જ મહત્વના છે. સહ્યાદ્રિ પરિવાર દ્વારા બર્ડ રેડ ટાઇલ્સ, પતંગિયાં, પક્ષીઓ અને અન્ય જીવસૃષ્ટિના સંરક્ષણ માટે કરવામાં આવતા પ્રયાસોને તેમણે બિરદાવ્યા હતા.
મુલાકાત દરમિયાન તેમણે સહ્યાદ્રિ પરિવાર દ્વારા વિકસાવવામાં આવેલું ‘મામાનું ઘર’, વિદ્યાર્થીઓ અને ખેડૂતો માટે બનાવવામાં આવેલા ટ્રી હાઉસ, એડવેન્ચર ઝોન, પેટ ઝોન સહિતના વિવિધ પ્રકલ્પો નિહાળ્યા હતા. ઉપરાંત ઇકોપોઇન્ટ ખાતે તૈયાર કરવામાં આવેલી વિશિષ્ટ ટાંકી અને દેશભક્તિની ભાવના પ્રેરિત કરતી રચનાઓ જોઈ તેઓ પ્રભાવિત થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *