ત્રણ દિવસીમાં અંદાજે ૩૫૦ ફૂટ લંબાઈમાં કરાયેલ પુરાણ અને પાઈપો દૂર કરીને વરસાદી પાણીના કુદરતી વહેણનો સ્વાભાવિક પ્રવાહ અવરોધમુક્ત કરવામાં આવ્યો
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મોજે સંદલપોર ગામ ખાતે અંબિકા સિંચાઈ વિભાગ, નવસારી હસ્તકની વેસ્મા પેટા વિભાગીય કચેરી હેઠળ આવેલી ઉભરાટ બ્રાન્ચ કેનાલની સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર દબાણ સામે નવસારી જિલ્લા કલેક્ટરશ્રી નવસારીના માર્ગદર્શન હેઠળ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિભાગને પ્રાપ્ત થયેલ રજૂઆતો તેમજ સ્થળ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સર્વે નં. ૧૮૧ ખાતે કેનાલની બોરોપીટ વિસ્તારમાં પાઈપો નાખી તેને ઢાંકી દેવામાં આવી હતી તેમજ કેનાલના પાળા ઉપર પુરાણ કરીને રસ્તો બનાવવામાં આવ્યો હતો. આ અંગે સંબંધિત પક્ષને અગાઉ તાંત્રિક સ્ટાફ દ્વારા મૌખિક સૂચના તેમજ લેખિત નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં સૂચનાઓની અવગણના કરીને ગેરકાયદેસર દબાણ યથાવત રાખવામાં આવ્યું હતું.

જે કાર્યવાહીના અન્વયે કાર્યપાલક ઈજનેરશ્રી, નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી તથા મદદનીશ ઈજનેરશ્રી તથા સ્થળ પર હાજર અધિકારી અને કર્મચારી દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં
જેમાં ૧૦ જૂન ૨૦૨૬થી ૧૨ જૂન, ૨૦૨૬ દરમિયાન સતત ત્રણ દિવસ સુધી હાથ ધરાયેલ કામગીરી દરમિયાન કેનાલની સમાન્તર અંદાજે ૩૫૦ ફૂટ લંબાઈમાં કરવામાં આવેલ ગેરકાયદેસર પુરાણ તથા પાઈપો દૂર કરવામાં આવ્યા હતા. ઉપરાંત વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ બોરોપીટને પુનઃ ખુલ્લી કરવામાં આવી હતી, જેથી વરસાદી પાણીનો કુદરતી વહેણ જળવાઈ રહે અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય નહીં.
ખેડૂતોને સમયસર અને સુચારુ સિંચાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવી એ વિભાગની પ્રાથમિકતા છે. આથી કેનાલ હસ્તકની સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ અથવા કેનાલના માળખા સાથેની છેડછાડ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં તથા આગામી સમયમાં પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વિશેષ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે અને સરકારી મિલકત પર દબાણ કરનાર તેમજ કેનાલના માળખાને નુકસાન પહોંચાડનાર તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ કાર્યપાલક ઈજનેરશ્રીની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
