નવસારી: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દરિયાકાંઠા વિસ્તાર હેઠળ આવેલા બોરસી ગામે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલા ઝીંગા (શ્રિમ્પ) તળાવો સામે જિલ્લા વહીવટી તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં ત્રણ ગેરકાયદેસર ઝીંગા તળાવો તોડી પાડીને સરકારી જમીનને દબાણમુક્ત કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, બોરસી ગામના બ્લોક નં. 51, રી-સર્વે નં. 56ની સરકારી જમીન પર વહીવટી મંજૂરી વિના ઝીંગા ઉછેર માટે તળાવો બનાવવામાં આવ્યા હોવાની ફરિયાદો અને માહિતી જિલ્લા તંત્રને મળી હતી. મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈને જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ વિશેષ કાર્યવાહીનું આયોજન કરવામાં આવ્યું હતું.

નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી જનમ ઠાકોર તેમજ મામલતદાર મૃણાલ ઈસરાણીના નેતૃત્વમાં આજે સ્થળ પર સંયુક્ત સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં મામલતદાર કચેરીની ટીમ, જિલ્લા જમીન દફતર કચેરીના સર્વેયર, બોરસી ગામના તલાટી કમ મંત્રી, પર્યાવરણ વિભાગ, ફિશરીઝ વિભાગના અધિકારીઓ તથા સ્થાનિક પોલીસ તંત્ર જોડાયું હતું.
સર્વે દરમિયાન સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણોને ચિહ્નિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ પાંચ JCB મશીનો સહિતની ભારે મશીનરીની મદદથી અનધિકૃત રીતે બનાવવામાં આવેલા ત્રણ ઝીંગા તળાવો તોડી પાડવામાં આવ્યા હતા અને સરકારી જમીનને મૂળ સ્થિતિમાં લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જિલ્લા વહીવટી તંત્રે સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ ચલાવી લેવામાં આવશે નહીં. આગામી સમયમાં પણ આવી ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવશે અને કાયદાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ સામે નિયમો મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ કાર્યવાહી બાદ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ કરનાર તત્વોમાં ચકચાર મચી ગઈ છે, જ્યારે સ્થાનિક લોકો દ્વારા સરકારી જમીનના રક્ષણ માટે તંત્રની કામગીરીને આવકાર આપવામાં આવ્યો છે.
