News

બારડોલી તાલુકાના ઉવાગામની નહેર પાસે નેશનલ હાઇવે પર ભયંકર ત્રિપલ અકસ્માત: બે બસ અને ટ્રેક્ટર વચ્ચે અથડામણ, 7નાં મોત, 34થી વધુ ઘાયલ

વાલોડ, 2 જૂન: આજે સાંજે આશરે 4:00 વાગ્યે સુરતથી ધુલીયા તરફ જતી બસ (નંબર MH-18 BZ-1258) અને પાણી ભરેલા ટ્રેક્ટર વચ્ચે થયેલી અથડામણ બાદ ભયંકર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે બસ ચાલકે નિયંત્રણ ગુમાવતા ડિવાઇડર કૂદી રોંગ સાઈડમાં પ્રવેશ કરી અમલનેરથી સુરત તરફ આવી રહેલી બસ (નંબર MH-20 BL-3390) સાથે જોરદાર અથડામણ કરી હતી.

અથડામણ બાદ એક બસમાં આગ લાગી જતા ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ ઝડપથી ફેલાતા બસનો મોટો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ બસમાં મુસાફરી કરી રહેલા 7 જેટલા મુસાફરો જીવતા જ ભસ્મ થઈ ગયા હતા, જ્યારે 34થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક જાગૃત નાગરિકો, રાહતકર્મીઓ તથા પોલીસ અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. બારડોલી, વાલોડ, સુરત અને તાપી જિલ્લાના ફાયર બ્રિગેડના જવાનો દ્વારા બચાવ અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સ્થાનિક લોકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

અકસ્માતમાં મૃત્યુ પામેલા 7 લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. ઘટનાને પગલે હાઇવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. વાલોડ, બારડોલી, તાપી અને સુરત જિલ્લા પોલીસની ટીમોએ સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી.

પોલીસ અને પ્રશાસન દ્વારા ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવી ટ્રાફિક પૂર્વવત્ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી.

અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે.

ઉરેશ ચૌધરી બાજીપુરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *