News

નવસારી જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાનેપ્રિ-મોન્સુન કામગીરીની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ

નવસારી જિલ્લામાં ચોમાસાની પૂર્વતૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વિવિધ વિભાગોની પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં ગત ફેબ્રુઆરી માસમાં યોજાયેલી પ્રિ-મોન્સુન બેઠકમાં આપવામાં આવેલી સૂચનાઓ તેમજ આવનારા ચોમાસાને ધ્યાનમાં રાખીને વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
ચોમાસા દરમિયાન પ્રજાને કોઈપણ પ્રકારની હાલાકી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવેલા આગોતરા પગલાં અંગે સંબંધિત વિભાગોએ કલેક્ટરશ્રી સમક્ષ માહિતી રજૂ કરી હતી. ખાસ કરીને જિલ્લામાં આવેલા નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર કેવી રીતે ઝડપી અને અસરકારક રીતે પહોંચી વળશે તે અંગે સંબંધિત અધિકારીઓ પાસેથી માહિતી મેળવી કલેકટરશ્રી મનીષ ગુરવાની દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીએ તમામ વિભાગીય અધિકારીઓને જિલ્લામાં “ઝીરો કેઝ્યુઅલ્ટી”ના અભિગમ સાથે કામગીરી કરવા ખાસ સૂચના આપી હતી. તાલુકાના નોડલ અધિકારીઓને તમામ સ્ટેકહોલ્ડર સાથે તાત્કાલિક ઓનલાઈન બેઠક યોજી ચોમાસા દરમિયાનની કામગીરીને આખરી ઓપ આપવા પણ માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા.
બેઠક દરમિયાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે ઉપલબ્ધ સાધનો, તરવૈયા યુવાનોની યાદી, નીચાણવાળા વિસ્તારોની વિગતો, શેલ્ટર હોમ અને ઉપલબ્ધ સુવિધાઓ અંગેની અદ્યતન માહિતીની તાલુકાવાર સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ સંબંધિત વિભાગો દ્વારા પોતાના કાર્યક્ષેત્ર હેઠળ આવતા વહેણ, કાંસ-કોતર, રસ્તાઓ અને દબાણ દૂર કરવાની કામગીરી અંગે પણ કલેક્ટરશ્રીએ માહિતી મેળવી હતી.
આ ઉપરાંત તળાવો, પાણી ભરાતા વિસ્તારોમાં કરવામાં આવેલી કામગીરી, વોટર ઇન્ફાસ્ટ્રક્ચર સંબંધિત કામો તેમજ માસિક પ્રગતિ અહેવાલ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાનીએ તમામ અધિકારીઓને ચોમાસા દરમિયાન વિભાગીય સંકલન સાથે સતર્ક અને જવાબદારીપૂર્વક કામગીરી કરી જાનમાલની હાનિ ટાળવા જરૂરી સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી કાર્તિક જીવાણી, મહાનગરપાલિકા કમિશ્નરશ્રી જયેશ ઉપાધ્યાય, અધિક કલેક્ટરશ્રી વાય. બી. ઝાલા, નવસારી પ્રાંત અધિકારીશ્રી જનમ ઠાકોર સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *