News

વ્યારા રિવરફ્રન્ટના જાહેર શૌચાલયમાં સ્વચ્છતાનો અભાવ, નગરપાલિકા સામે ઉઠ્યા સવાલો

વ્યારા: તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા શહેરમાં આવેલ રિવરફ્રન્ટ પરના જાહેર શૌચાલયની હાલત અત્યંત બિસ્માર બની ગઈ હોવાનું સામે આવ્યું છે. શહેરના નાગરિકો તેમજ રિવરફ્રન્ટ પર ફરવા આવતા મુલાકાતીઓને ગંદકી અને દુર્ગંધ વચ્ચે શૌચાલયનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ શૌચાલયમાં નિયમિત સફાઈ થતી નથી. અનેક જગ્યાએ ગંદકીના ઢગલા, દુર્ગંધ, પાણીની અછત અને જાળવણીના અભાવે શૌચાલય ઉપયોગ માટે અયોગ્ય બન્યું છે. શહેરના વિકાસ માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચવામાં આવી હોવા છતાં મૂળભૂત સુવિધાની આવી દુર્દશા અનેક સવાલો ઉભા કરે છે.

સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે તેઓ નિયમિત રીતે નગરપાલિકાને વેરો ચૂકવે છે, છતાં સ્વચ્છતા જેવી પ્રાથમિક સુવિધા પણ યોગ્ય રીતે મળી રહી નથી. વ્યારા નગરપાલિકા સ્વચ્છતા જાળવવામાં નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. રિવરફ્રન્ટ જેવા જાહેર સ્થળે સ્વચ્છતાનો અભાવ શહેરની છબીને પણ અસર પહોંચાડે છે.

હાલમાં નાગરિકોમાં એવી માંગ ઉઠી છે કે નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ સ્થિતિનું નિરીક્ષણ કરે તેમજ શૌચાલયની નિયમિત સફાઈ, જાળવણી અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરે.

શહેરની વિકસિત નગરપાલિકા ગણાતી વ્યારામાં જાહેર સુવિધાઓની આવી હાલત સામે આવતા હવે નગરપાલિકા તંત્ર શું પગલાં ભરે છે તેના પર નાગરિકોની નજર મંડાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *