
સુરતના શિક્ષક અજય પટેલને રાજ્ય કક્ષાનો વિશિષ્ટ શિક્ષક એવોર્ડ
સુરતની રૂ.સી. મા. પુનાવાલા સાર્વજનિક એક્સપેરિમેન્ટલ સ્કૂલ ના સંગીત અને ચિત્ર શિક્ષક શ્રી અજયકુમાર એચ. પટેલને ગુજરાત રાજ્ય ચિત્રકલા શિક્ષક સંઘ દ્વારા રાજ્યના વિશિષ્ટ શિક્ષક તરીકે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્ય ચિત્રકલા શિક્ષક સંઘ દ્વારા આયોજિત 24મા એવોર્ડ સન્માન સમારોહનું આયોજન તા. 3 મે 2026, રવિવારના રોજ લાયન્સ હોલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં શ્રેષ્ઠ ચિત્રકૃતિના વિદ્યાર્થીઓ, સંનિષ્ઠ અને વિશિષ્ટ ચિત્ર શિક્ષકો તેમજ કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
શ્રી અજય પટેલે શાળા તેમજ શાળા બહાર વિવિધ ક્ષેત્રોમાં પ્રાપ્ત કરેલી નોંધપાત્ર સિદ્ધિઓને ધ્યાને લઈ તેમને રાજ્ય કક્ષાનો વિશિષ્ટ શિક્ષક એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમના આ સન્માનથી શાળા, ધોડિયા સમાજ, આદિવાસી સમાજ તેમજ કેસલી ગામમાં ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.
આ પ્રસંગે કેસલી ગામના આગેવાનો, સરપંચશ્રી સુરેશભાઈ પટેલ સહિત સમાજના આગેવાનો દ્વારા શ્રી અજય પટેલને શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. તેમજ શાળાના આચાર્યશ્રી અને સમગ્ર શાળા પરિવારે પણ તેમને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.
