
નવાપુર રેલવે સ્ટેશનની અનોખી ભૌગોલિક ઓળખ: એક જ પ્લેટફોર્મ પર બે રાજ્યોની સરહદ, ત્રણ ભાષામાં થાય છે જાહેરાતો
ભારતીય રેલવેના નકશા પર અનેક એવા સ્ટેશનો છે જે પોતાની કોઈને કોઈ વિશેષતા માટે જાણીતા છે, પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલું નવાપુર રેલવે સ્ટેશન કંઈક અલગ જ ભાત પાડે છે. આ સ્ટેશનનો અડધો ભાગ મહારાષ્ટ્રમાં છે, જ્યારે બાકીનો અડધો ભાગ ગુજરાતના તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકામાં આવે છે

નવાપુર સ્ટેશનની બરાબર મધ્યમાં એક સફેદ રેખા દોરવામાં આવી છે, જે બે રાજ્યોની સરહદ નક્કી કરે છે. આ ભૌગોલિક સ્થિતિને કારણે અહીં રમુજી કિસ્સાઓ સર્જાય છે. સ્ટેશન માસ્ટરની ઓફિસ અને પ્લેટફોર્મનો એક ભાગ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં છે, જ્યારે ટિકિટ બારી અને સ્ટેશનનો બીજો છેડો ગુજરાતના ઉચ્છલ તાલુકામાં પડે છે.
સ્ટેશન પર જો કોઈ ગુનો કે દુર્ઘટના બને, ત્યારે પોલીસ માટે પણ તપાસનો વિષય રસપ્રદ બની જાય છે. કાયદાકીય દૃષ્ટિએ જો ઘટના ગુજરાતના ભાગમાં બની હોય તો ગુજરાત પોલીસ અને મહારાષ્ટ્રના ભાગમાં બની હોય તો મહારાષ્ટ્ર પોલીસ ગુનો નોંધે છે. એટલું જ નહીં, ગુજરાતમાં દારૂબંધી હોવાથી પ્લેટફોર્મના ગુજરાત વાળા ભાગમાં કડક નિયમો લાગુ પડે છે, જ્યારે મહારાષ્ટ્રના ભાગમાં નિયમો બદલાઈ જાય છે.
આ સ્ટેશન બે રાજ્યોને જોડતું હોવાથી અહીંની તમામ સૂચનાઓ, સાઈન બોર્ડ અને માઈક પર થતી જાહેરાતો મુખ્યત્વે ત્રણ ભાષાઓમાં માં કરવામાં આવે છે. મુસાફરો માટે પ્લેટફોર્મ પર એક એવી બેંચ (બાંકડો) પણ મૂકવામાં આવી છે જેનો અડધો ભાગ ગુજરાતમાં અને અડધો મહારાષ્ટ્રમાં છે, જે પ્રવાસીઓ માટે સેલ્ફી પોઈન્ટ બની ગયો છે.
સ્થાનિક લોકો અને પ્રવાસીઓ માટે આ સ્ટેશન હંમેશા કુતૂહલનો વિષય રહ્યું છે, જ્યાં એક જ સ્ટેશન પર પગ મૂકતાની સાથે જ તમે બે અલગ-અલગ રાજ્યોની સંસ્કૃતિ અને વહીવટનો અનુભવ કરી શકો છો.

