
તાપી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ : નામાંકન પ્રક્રિયા પૂર્ણ, ૧૮૮ બેઠકો માટે ૬૫૬ ઉમેદવારી ફોર્મ ભરાયા
તાપી
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત તાપી જિલ્લામાં નામાંકન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડો. વિપીન ગર્ગના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટી તંત્રએ સુચારૂ આયોજન સાથે ચૂંટણી પ્રક્રિયા આગળ ધપાવી છે.
જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વ્યારા નગરપાલિકાની ચૂંટણીઓ માટે તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. તા. ૧૧ એપ્રિલ ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ રહી હતી, જેના પગલે ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
જિલ્લા પંચાયતની કુલ ૨૬ બેઠકો માટે ૧૦૦ ઉમેદવારો દ્વારા નામાંકન પત્રો દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે તાલુકા પંચાયતની કુલ ૧૩૪ બેઠકો માટે ૫૦૦ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. આમ, જિલ્લામાં કુલ ૧૮૮ બેઠકો માટે કુલ ૬૫૬ ઉમેદવારી ફોર્મ ભરાયા છે.
તાલુકાવાર ઉમેદવારી ફોર્મની વિગતો નીચે મુજબ છે:
વ્યારા તાલુકા: ૨૦ બેઠકો માટે ૭૬ ફોર્મ
સોનગઢ તાલુકા: ૧૮ બેઠકો માટે ૬૮ ફોર્મ
નિઝર તાલુકા: ૧૬ બેઠકો માટે સૌથી વધુ ૭૭ ફોર્મ
ડોલવણ તાલુકા: ૫૭ ફોર્મ
વાલોડ તાલુકા: ૭૨ ફોર્મ
ઉચ્છલ તાલુકા: ૬૮ ફોર્મ
કુકરમુંડા તાલુકા: ૩૮ ફોર્મ
ઉકાઈ તાલુકા: ૪૪ ફોર્મ
વ્યારા નગરપાલિકાની કુલ ૭ વોર્ડ માટે અત્યાર સુધીમાં ૫૬ ઉમેદવારી ફોર્મ ભરાયા છે, જે શહેરમાં પણ ચૂંટણીનો ઉત્સાહ દર્શાવે છે.
ખાસ નોંધનીય બાબત એ છે કે વ્યારા નગરપાલિકાના વોર્ડ નંબર ૫ ની આખી પેનલ બિનહરીફ જાહેર થઈ છે, જે સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.
નામાંકનના છેલ્લા દિવસે સોનગઢ અને વ્યારા વિસ્તારમાં ઉમેદવારો દ્વારા મોટી સંખ્યામાં સમર્થકો સાથે રેલીના માહોલમાં ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો અને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.
હવે આગામી તબક્કામાં ઉમેદવારી પત્રોની ચકાસણી અને પરત ખેંચવાની પ્રક્રિયા બાદ ચૂંટણી પ્રચાર જોર પકડશે. જિલ્લામાં રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે અને આવનારી ચૂંટણી માટે તમામ પક્ષો દ્વારા વ્યૂહરચનાઓ તૈયાર કરવામાં આવી રહી છે.

