News

વાંસદા ખાતે ભાજપની ભવ્ય રેલી, ઉમેદવારોની ઉમેદવારી સાથે શક્તિ પ્રદર્શન

નવસારી જિલ્લાના વાંસદા ગામે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા કુકણા સમાજની વાડીમાંથી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાતા સમગ્ર વિસ્તારમાં ઉત્સાહ અને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આ પ્રસંગે ભાજપ દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 🚩

રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જોડાઈ મામલતદાર કચેરી સુધી વિશાળ રેલી કાઢવામાં આવી હતી. અહીં ભાજપના ઉમેદવારો દ્વારા આવનારી તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત ચૂંટણી માટે પોતાના ઉમેદવારી ફોર્મ ભરી સત્તાવાર રીતે ચૂંટણી મેદાનમાં એન્ટ્રી કરી હતી. 🗳️

આ પ્રસંગે ભાજપના આગેવાનો એ આત્મવિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પાર્ટી છેલ્લા ઘણા વર્ષોથી સત્તામાં રહી ગામડાઓ સુધી વિકાસ પહોંચાડવામાં સફળ રહી છે. રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર કામો થયા હોવાનું તેમણે જણાવ્યું. આ વિકાસકાર્યોનો સીધો લાભ પ્રજાને મળ્યો હોવાની પણ વાત કરવામાં આવી.

તેમણે વધુમાં જણાવ્યું કે આવનારા સમયમાં વિકાસને વધુ વેગ આપવામાં આવશે અને દરેક ગામ સુધી મૂળભૂત સુવિધાઓ પહોંચાડવાનો સંકલ્પ ભાજપનો છે. રેલી દરમિયાન “સબકા સાથ, સબકા વિકાસ” અને “ફરી એકવાર ભાજપ સરકાર” જેવા નારા ગુંજતા જોવા મળ્યા હતા, જે કાર્યક્રમમાં જુસ્સો અને ઉત્સાહ દર્શાવતા હતા. 📢

આદિવાસી સમાજના આગેવાનો દ્વારા એકતા અને પોતાના હક માટે અવાજ ઉઠાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રોજગાર અને મૂળભૂત સુવિધાઓ માટે વધુ વિકાસની આશા પણ વ્યક્ત કરવામાં આવી. રેલીમાં યુવાનો અને મહિલાઓની મોટી હાજરી ભાજપ માટે સકારાત્મક સંકેત માનવામાં આવી રહી છે.

આ સમગ્ર ઘટનાક્રમને લઈને વાંસદા તાલુકામાં રાજકીય માહોલ ગરમાયો છે. આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે આ શક્તિ પ્રદર્શન અને વિકાસના મુદ્દાઓ ચૂંટણીના પરિણામોમાં કેટલો ફાયદો કરાવે છે.

વાસદા-ડાંગ બ્યુરો ચીફ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *