તાપી જિલ્લાના સોનગઢ માં આવેલ શહીદ ચોક ખાતે કારગીલ વિજય દિવસ નિમિત્તે માજી સૈનિકો, નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા શહેરીજનોએ એકત્રિત થઈ કારગીલ યુદ્ધના શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દેશની સુરક્ષા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વિર જવાનોને યાદ કરી તેમના શૌર્ય અને બલિદાનને નમન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના માજી સૈનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ સોનગઢ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને શહેરીજનોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કાર્યક્રમમાં સંગઠન મંત્રી અમિતભાઈ અગ્રવાલ, નગરસેવક કિશોરભાઈ ચૌધરી, અન્ય ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ ઉકાઈ તાલુકાના ઉપપ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ કારગીલના શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી દેશપ્રેમ અને રાષ્ટ્રસેવાનો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમનું વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું અને ઉપસ્થિત લોકોએ શહીદોના બલિદાનને હંમેશા યાદ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
