વાંસદા, નવસારી: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ગામે આવેલું વર્ષો જૂનું અને અતિ પ્રાચીન મૂછાળા રામજી મંદિર હાલ અત્યંત જર્જરીત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. મંદિરના જીર્ણોદ્ધારને લઈને સ્થાનિકો તેમજ વાંસદા તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકો અને VHPના સભ્યોના આક્ષેપ મુજબ મંદિરના જીર્ણોદ્ધાર માટે ગુજરાત સરકાર દ્વારા ભૂતકાળમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જોકે, આ રકમનો ઉપયોગ મંદિરના વિકાસ માટે નહીં પરંતુ ગામના અન્ય સ્થળે કરવામાં આવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જોકે, આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આ મુદ્દે અગાઉ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ મંદિર પરિસરમાં ધરણા યોજી સરકાર અને તંત્ર સમક્ષ રજૂઆતો કરી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ મંદિરના ખાતમુહૂર્ત પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ કોઈ કારણસર મંદિરના જીર્ણોદ્ધારનું કામ અટકી ગયું હોવાનું કહેવાઈ રહ્યું છે.
ધરણા દરમિયાન વાંસદાના મામલતદાર દ્વારા ત્રણ મહિનાની અંદર મંદિરના જીર્ણોદ્ધારનું કામ શરૂ કરવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ નિર્ધારિત સમય પૂર્ણ થયા બાદ પણ કામ અંગે કોઈ સ્પષ્ટતા કે કામગીરી ન થતાં સ્થાનિકોમાં નારાજગી વધી રહી છે.
ઉનાઈ ગામના વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર મોન્ટુભાઈએ જણાવ્યું હતું કે જો આગામી એક અઠવાડિયામાં મંદિરના કામ અંગે કોઈ નક્કર નિર્ણય કે કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ અને અન્ય કાર્યકરો ફરીથી આંદોલનનો માર્ગ અપનાવી ઉપવાસ પર બેસશે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ આદિવાસી વિસ્તાર તરીકે ઓળખાતા વાંસદા તાલુકામાં ભગવાન રામ પ્રત્યે લોકોની ઊંડી આસ્થા જોડાયેલી છે. તેથી મંદિરના જીર્ણોદ્ધારનું કામ વહેલી તકે શરૂ થાય તેવી માંગ ઉઠી રહી છે. સાથે જ વિસ્તારના સાંસદ ધવલભાઈ પટેલ આ મામલે હસ્તક્ષેપ કરી વર્ષોથી અટવાયેલા કામને ગતિ આપે તેવી પણ લોકમાગ ઉઠી રહી છે.

હવે જોવાનું એ રહેશે કે મંદિરના જીર્ણોદ્ધાર મુદ્દે તંત્ર અને જનપ્રતિનિધિઓ દ્વારા કોઈ સકારાત્મક પગલાં ભરવામાં આવે છે કે પછી વિશ્વ હિન્દુ પરિષદ ફરી આંદોલનનો માર્ગ અપનાવે છે. સમગ્ર વિસ્તારની નજર હવે આગામી દિવસોમાં થનારી કાર્યવાહી પર ટકેલી છે.
વાસદા-ડાંગ બ્યુરો નરૈન ભૈયા
