News

વાંસદા તાલુકા પંચાયત પર ભારતીય જનતા પાર્ટીએ સતત બીજી ટર્મ માટે પોતાનો દબદબો કાયમ રાખ્યો

આજે વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપે ફરી એકવાર ભગવો લહેરાવ્યો છે.
Audio વાંસદા તાલુકા પંચાયત પર ફરી ભગવો લહેરાયો: કૌશિકભાઈ પટેલ પ્રમુખ અને અજયભાઈ ગામીત ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા
વાંસદા તાલુકા પંચાયત ખાતે આજે એક મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ હતી. બપોરે ૧૨:૦૦ કલાકે વાંસદા પ્રાંત અધિકારી માહલા સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાયેલી આ ચૂંટણી પ્રક્રિયા અત્યંત શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલમાં પૂર્ણ થઈ હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ ફરી એકવાર પોતાનો દબદબો સાબિત કરીને વાંસદા તાલુકા પંચાયત પર સતત બીજી ટર્મ માટે ભગવો લહેરાવ્યો છે.
ચૂંટણીમાં પક્ષના મોવડી મંડળ દ્વારા યુવા ચહેરાઓ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો હતો, જેમાં:
પ્રમુખ તરીકે: કૌશિકભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે: અજયભાઈ ગામીત (યુવા આગેવાન)
આ બંને પદાધિકારીઓને સર્વાનુમતે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવતા જ ભાજપ છાવણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ઉપરાંત અન્ય મહત્વના હોદ્દાઓ પર પણ વરણી કરવામાં આવી છે જેમા


કારોબારી અધ્યક્ષ: પ્રશાંત પટેલ શાસક પક્ષના નેતા: બિપીનભાઈ પટેલ દંડક: મીનાક્ષીબેન ખોટરીયા
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ નવનિયુક્ત પદાધિકારીઓને ઉપસ્થિત કાર્યકરો અને રાજકીય આગેવાનોએ ફૂલહાર પહેરાવી, મીઠાઈ ખવડાવીને ભવ્ય અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે સમગ્ર પંચાયત કચેરી પરિસરમાં આનંદ અને વિજયનો માહોલ જોવા મળ્યો હતો.
નવનિયુક્ત પ્રમુખ કૌશિકભાઈ પટેલે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને કાર્યકરોનો આભાર માનતા જણાવ્યું હતું કે,
“પક્ષે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે બદલ હું આભારી છું. આગામી દિવસોમાં તાલુકાના તમામ ૯૫ ગામોને સાથે રાખીને, ‘વિશ્વાસ અને વિકાસ’ ના મંત્ર સાથે પ્રગતિના કાર્યો કરવામાં આવશે.”
તેવી જ રીતે ઉપપ્રમુખ અજયભાઈ ગામીતે પણ જનતા અને કાર્યકરોનો આભાર માનતા ઉમેર્યું હતું કે, આવનાર દિવસોમાં સૌ સભ્યો અને સંગઠનને સાથે લઈને તાલુકાના વિકાસને નવી ઊંચાઈ પર લઈ જવાનો અમારો પૂરતો પ્રયાસ રહેશે.
વાંસદા તાલુકામાં રાજકીય દ્રષ્ટિએ આ જીત ખૂબ મોટી માનવામાં આવી રહી છે, કારણ કે ભાજપે સતત બીજી ટર્મ માટે વાંસદા તાલુકા પંચાયત પર સત્તા જાળવી રાખી છે. આ પ્રસંગે તાલુકા પંચાયતના સભ્યો, વિવિધ મોરચાના હોદ્દેદારો, રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહી નવી ટીમને શુભેચ્છા પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *