
નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે વિકાસ સપ્તાહ ૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત વાપી મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સ્વદેશી મેળો દરેક સ્થાનિક કારીગરોને ઉત્તમ તક પૂરી પાડશે. આ મેળો તા. ૧૮ ઓક્ટોબર સુધી સવારે ૧૧ થી રાત્રે ૧૧ વાગ્યા સુધી મુલાકાત માટે ખુલ્લો રહેશે. ઉદઘાટન પ્રસંગે સ્થાનિક કલાકારોના ગ્રુપ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ પર ગરબા અને રાસનું અદભૂત પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ વિવિધ સ્વદેશી બનાવટના સ્ટોલની મુલાકાત લઈ તમામ કારીગરોને પ્રોત્સાહન આપ્યું હતું.
ઉદઘાટન પ્રસંગે મંત્રીશ્રીએ દરેક નાગરિકોને સ્વદેશી બનાવટની ચીજ વસ્તુઓ ખરીદવા હાકલ કરતા કહ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં સ્વદેશી બનાવટની વસ્તુઓના પ્રચાર દ્વારા ભારતીય કારીગરોને નવી ઓળખ આપી છે. વડાપ્રધાનશ્રીએ કહ્યું છે કે દુનિયામાં ભારતીય કારીગરોના હાથે બનેલી કોઈપણ વસ્તુ સ્વદેશી જ છે. તેથી દરેક નાગરિકોએ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન આપવું જોઈએ. આ સ્વદેશી મેળો દરેક સ્વદેશી કારીગરો- કલાકારોને સારે ઓળખ મેળવવા માટે ઉત્તમ સ્થાન બની રહેશે.

મહાનગરપાલિકા દ્વારા આયોજિત સ્વદેશી મેળામાં દરેક કારીગરોને પોતાની બનાવટના વેચાણ માટે વિનામૂલ્યે સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે. વધુ લોકો મેળાની મુલાકાત લે તે માટે રોજ રાત્રે અહીં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવશે.
કાર્યક્રમમાં વાપી મહાનગરપાલિકા કમિશનરશ્રી યોગેશ ચૌધરી, ડેપ્યુટી કમિશનર આસ્થા સોલંકી, વીઆઇએ પ્રમુખ સતીશ પટેલ, મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ- કિરણ પટેલ
