News

9 વર્ષમાં સારસ ક્રેનની વસતી ત્રણ ગણી વધીને 1,431 થઈ

– ખેડાના પરીએજમાં વર્લ્ડ વેટલેન્ડ્સ-ડે ઉજવાયો

– 2015-16 માં સારસ ક્રેન માત્ર 500 જ હતા  છેલ્લા એક વર્ષમાં 177 નો વધારો નોંધાયો

નડિયાદ : ખેડાના પરીએજ ખાતે વર્લ્ડ વેટલેન્ડ્સ (જળપ્લાવિત ક્ષેત્ર) દિવસની ઉજવણી અંતર્ગત ત્રીજા સારસ ક્રેન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘આપણા સમાન ભવિષ્ય માટે વેટલેન્ડ્સની સુરક્ષા’ થીમ હેઠળ વેટલેન્ડના સંવર્ધન અને ટકાઉ ભવિષ્ય વચ્ચેના સંબંધ ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. વન વિભાગ, સંસ્થાઓ અને ગ્રામજનોના સંયુક્ત પ્રયાસોના પરિણામે નવ વર્ષમાં સારસ ક્રેનની સંખ્યામાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. 

વિશ્વમાં સૌથી વધુ ઉંચાઈ ધરાવતા ઉડતા પક્ષી અને ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર(આઈયુસીએન)ના રેડ લિસ્ટમાં સંવેદનશીલ તરીકે વર્ગીકૃત કરાયેલા ઈન્ડિયન સારસ ક્રેન ભોજન અને પ્રજનન માટે વેટલેન્ડ્સમાં વસવાટ કરે છે. જોકે, વેટલેન્ડમાં ક્ષાર વધવાના કારણે તેમાં ઘટાડો થયો છે. સારસ કન્ઝર્વેશન પ્રોગ્રામમાં ૪૦ ગામડામાંથી ૯૦ ગ્રામીણ સારસ પ્રોટેક્શન ગુ્રપ સ્વયંસેવકોનું અમ્બ્રેલા નેટવર્ક બનાવવામાં આવ્યું છે. જેમાં સારસના માળા, ઈંડાનું સંરક્ષણ, બચ્ચાને શિકાર થતાં અટકાવવા સહિતની પ્રવૃત્તિ કરવામાં આવે છે. 

વન વિભાગ, સંસ્થાઓ અને ખેડૂતોના પ્રયાસોના કારણે વર્ષ ૨૦૧૫-૧૬માં સારસ ક્રેનની વસ્તી ૫૦૦ હતી, જે વર્ષ ૨૦૨૩-૨૪માં ત્રણ ગણી વધીને ૧,૪૩૧ થઈ ગઈ છે. વર્ષ ૨૦૨૨-૨૩માં સારસ ક્રેનની સંખ્યા ૧,૨૫૪ હતી, એક વર્ષમાં તેમાં ૧૭૭નો વધારો નોંધાયો છે.    

સારસ ક્રેન ફેસ્ટિવલમાં ૧૦ સ્કૂલ અને ૪ કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પક્ષીઓ નિહાળવા, પતંગિયા ઓળખવા, પોસ્ટર બનાવવા, ફોટો પ્રદર્શન સ્પર્ધા સહિતની ઈન્ટરેક્ટિવ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. તેમજ સારસના સંરક્ષણમાં જોડાયેલા સરપંચો, ગ્રામજનોને સૌથી વધુ સારસ ક્રેન સાઈટિંગ અને નેસ્ટિંગ સાઈટ્સ નોંધાવવા માટે સારસ ટ્રોફી અને પ્રકૃત્તિના મિત્રોથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *